News of Friday, 16th October 2026
ભાવનગરના સેન્ટ મેરિઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સગીર વિદ્યાર્થિનીને બદનામ કરવા પ્રયાસ: કથિત લવ લેટર ફેરવ્યો
ઘોઘા રોડ પોલીસે પાંચ સગીર વિદ્યાર્થીઓ સામે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો :આરોપીઓમાં શાળાની એક શિક્ષિકાનો પુત્ર પણ સામેલ

ભાવનગરના શિવાજી સર્કલ નજીક આવેલી સેન્ટ મેરિઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સગીર વિદ્યાર્થિનીને બદનામ કરવાના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીના નામે કથિત લવ લેટર તૈયાર કરીને તેને ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ વચ્ચે ફરતો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. મામલો પોલીસ સુધી પહોંચતાં ઘોઘા રોડ પોલીસે પાંચ સગીર વિદ્યાર્થીઓ સામે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓમાં શાળાની એક શિક્ષિકાનો પુત્ર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થિનીના નામ સાથે જોડાયેલો એક પત્ર શાળાના કેટલાક વર્ગોમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચાડવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીને જોઈને હસતા હતા. એટલું જ નહીં, નોટબુકના પાનાં પર પણ તેના નામને લઈને ચિઠ્ઠીઓ લખીને વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરતા હતા.
આ વર્તનને કારણે વિદ્યાર્થિનીને સમગ્ર મામલો પોતાના વિશે હોવાની શંકા ગઈ. ત્યારબાદ તેણે હિંમત કરીને એક વિદ્યાર્થી પાસેથી તે પત્ર મેળવી લીધો હતો. પત્ર તપાસતા તેમાં વિદ્યાર્થિનીનું નામ લખેલું હતું, પરંતુ તેમાં રહેલું લખાણ તેનું ન હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ શાળામાં રજૂઆત કરી હતી. તેમનો આક્ષેપ છે કે તેમની દીકરીને નિશાન બનાવીને તેને માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહી હતી અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો
પિતાના જણાવ્યા પ્રમાણે, તેમણે શાળાના ફાધર સમક્ષ સમગ્ર ઘટના રજૂ કરી હતી. જોકે, શાળા તરફથી ગંભીરતાથી કાર્યવાહી કરવાને બદલે આ ઘટનાને સામાન્ય ભૂલ અથવા વિદ્યાર્થીઓની મજાક ગણાવવાનો પ્રયાસ થયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
પિતાએ આ મામલે શાળા પ્રશાસન સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, જો આવી હેરાનગતિથી કંટાળીને તેમની દીકરીએ કોઈ ગંભીર પગલું ભર્યું હોત, તો શું ત્યારે પણ આ ઘટનાને માત્ર ‘પ્રૅન્ક’ કહીને ટાળી દેવામાં આવી હોત?
વિવાદ વધ્યા બાદ શાળા તરફથી પણ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષક અમિત વેગડેએ જણાવ્યું હતું કે, 14 તારીખે વાલી તરફથી રજૂઆત મળ્યા બાદ આચાર્ય દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
શાળાના સંચાલન મુજબ, વિદ્યાર્થીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે કથિત પત્ર ટ્યુશન ક્લાસમાંથી અન્ય શાળામાં ભણતા વિદ્યાર્થી મારફતે આવ્યો હતો. જોકે, વિદ્યાર્થિનીના પિતાએ આ દાવાને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે તેમની દીકરી કોઈ ટ્યુશન ક્લાસમાં જતી જ નથી. દરમિયાન, શાળા પ્રશાસને આ કેસમાં સંડોવાયેલા પાંચેય વિદ્યાર્થીઓને હાલ સસ્પેન્ડ કરી દીધા છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક સામાજિક કાર્યકરો અને હિન્દુ સંગઠનો દ્વારા પણ આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર અશોક ગોહિલ સહિતના આગેવાનોએ શાળા સંચાલન આરોપી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
સંગઠનોનું કહેવું છે કે વિદ્યાર્થિનીને ન્યાય મળે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો શાળા સામે તાળાબંધી, રામધૂન સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આ સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ મથકે પાંચ સગીર વિદ્યાર્થીઓ વિરુદ્ધ BNSની કલમ 75(3) અને પોક્સો એક્ટની કલમ 12 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે હવે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
સગીર વિદ્યાર્થિનીની ઓળખ અને ગોપનીયતા જળવાઈ રહે તે સાથે કેસના તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. શાળામાં અન્ય વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને તેમના સન્માન સાથે કોઈ સમાધાન ન થાય તે મુદ્દે પણ પોલીસ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
