તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 1st July 2026
મોરબીમાં પ્રેમસંબંધ મામલે યુવાન ઉપર હુમલો : ફાયરીંગ
યુવતીના ઘર પાસે આંટાફેરા કરતા ચિરાગ સનુરા સહિત ત્રણ ઉપર યુવતીના પરીવારજનો તૂટી પડયાઃ જમીનમાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ : હુમલો કરનાર ૪ ની ધરપકડ : સામાપક્ષે યુવતીના ભાઇએ ચિરાગ સહિત ત્રણ સામે વળતી ફરીયાદ કરી : ત્રણેયની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૧ : મોરબીના ત્રાજપર વિસ્તારમાં પ્રેમસંબંધના કારણે યુવતીના ઘર પાસે આંટાફેરા કરતા યુવાન અને તેના ફઈના દીકરા ઉપર યુવતીના પરિવારે હુમલો કર્યો હતો. ઉપરાંત બે રાઉન્ડ જમીનમાં ફાયર પણ કર્યા હતા. આ બનાવ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ત્વરિત ૪ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા ચિરાગભાઈ રણજીતભાઈ સનુરા (ઉંમર ૨૬) નામના યુવાને ૫ આરોપીઓ સામે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓમાં નિરંજનભાઈ બિંદ, તેમના પત્ની મંજુબેન બિંદ, પુત્ર હિમાંશુ બિંદ તથા ૨ ભાણેજ ચંદન અને મોહનનો સમાવેશ થાય છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચિરાગભાઈને નિરંજનભાઈની દીકરી સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો. આથી ચિરાગભાઈ અવારનવાર તેમના ઘર પાસેથી આવ-જા કરતા હતા. આ બાબત યુવતીના પરિવારને પસંદ ન હોવાથી ગત રાત્રીના પોણા નવ વાગ્યે તેમના પર હુમલો કર્યો હતો. રાત્રે ચિરાગભાઈ, તેમના ફઈનો દીકરો રાહુલ અને મિત્ર કરણ ત્રાજપર ગામમાં ઓરિએન્ટલ બેંકવાળી શેરીમાં બેઠા હતા. ત્યારે મંજુબેન અને હિમાંશુએ ત્યાં આવીને ચિરાગભાઈ સાથે બોલાચાલી કરી હતી. હિમાંશુએ ચિરાગભાઈને લાફા માર્યા હતા અને મંજુબેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડીવાર પછી નિરંજનભાઈ, તેમનો ભાણેજ મોહન અને ચંદન આવ્યા હતા અને યુવાનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા રાહુલને નિરંજનભાઈએ માથામાં છૂટો પથ્થર મારતા તેને ૫ થી ૬ ટાંકા લેવા પડે તેવી ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરોપી મોહને પોતાના પેન્ટમાંથી રિવોલ્વર જેવું હથિયાર કાઢી પહેલા જમીન પર ૧ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અવાજ થતાં લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ મોહને ચિરાગભાઈ પર જાનથી મારી નાખવાના ઈરાદે બીજું ફાયરિંગ કર્યું હતું. જોકે, ચિરાગભાઈ શેરીમાં સંતાઈ જતા તેમનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ બન્ને પક્ષે પથ્થરમારો થતાં આરોપીઓ નાસી છૂટયા હતા. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૧૫(૧), ૧૧૭(૨), ૩૫૨, ૩૫૧(૩), ૧૨૫, ૧૦૯, ૫૪ તેમજ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-ણુ)ર્(ી), ૨૭(૨) અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.
સીટી બી ડિવિઝનના પીઆઈ જે.ડી.સરવૈયા, એલસીબી પીઆઈ એસ.પી.જાડેજા અને એસઓજી પીઆઈ આર.સી.ગોહિલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પીઆઈ જે.ડી.સરવૈયા અને પીઆઈ એસ.પી.જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે, આરોપીઓ લખધીરપુર રોડ પર આવેલા ભંગારના ડેલામાં સંતાયા હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં જઈ આરોપી નિરંજનભાઇ તિલકપ્રસાદ બિંદ (રહે. હાલ મોરબી-૨, મૂળ બિહાર), હિમાંશુભાઈ નિરંજનભાઇ બિંદ (રહે. હાલ મોરબી-૨, મૂળ બિહાર), ચંદનભાઈ મહેશભાઈ જમાદાર (રહે. હાલ બેલા, મૂળ બિહાર) અને મોહનભાઈ અનુજભાઇ બિંદ (રહે. હાલ લખધીરપુર રોડ, મૂળ બિહાર)ની ધરપકડ કરી છે.
મોરબીના ત્રાજપર વિસ્તારમાં પવનપાર્કમાં રહેતા હિમાંશુ નિરંજનકુમાર બિંદ (ઉ.વ.૨૨) આરોપી ચિરાગ સનુરા, રાહુલ અને ક૨ણ રહે.તમામ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ચિરાગ સનુરા છેલ્લા ચાર મહિનાથી તેમના ઘર પાસે આવી ખોટા અવાજ કરતો હોવાથી હિમાંશુભાઈએ આરોપીને ફોન કરતા આરોપી ચિરાગ સનુરાએ વાતચીત કરવા ઓરીએન્ટલ બેન્ક ત્રાજપર પાસે બોલાવ્યા હતા.જ્યાં ફરિયાદી હિમાંશુ અને તેમના પિતા નિરંજનકુમાર જતા આરોપીએ ફરિયાદી અને સાહેદોને બેફામ ગાળો આપી પથ્થરના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
