News of Wednesday, 29th July 2026
પોરબંદર ખાતે રમેશભાઈ ઓઝાના હસ્તે જુનાપીપળીયા શાળાના શિક્ષક આશિષભાઈ રામાણીને સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ

(ધર્મેશ કલ્યાણી. કરશન બામટા દ્વારા) જસદણ આટકોટ તા.૨૯: સાંદીપનિ વિદ્યાનિકેતન-પોરબંદર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ૨૦૨૬ અંતર્ગત યોજાયેલા શિક્ષણવિદોના શૈક્ષણિક પરિસંવાદમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી એક-એક પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી કરી તેમને ગુરૂ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ‘ સાંદીપનિ ગુરુ ગૌરવ ઍવોર્ડ' અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ગૌરવપૂર્ણ સન્માન માટે રાજકોટ જિલ્લામાંથી જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તાલુકા શાળાના શિક્ષક આશિષભાઈ વિઠ્ઠલભાઈ રામાણીની પસંદગી કરવામાં આવી હતી.પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે ભાવપૂજન સાથે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ
મંત્રી ત્રિકમભાઈ છાંગા તથા પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પદ્મશ્રી-અનિલ ગુપ્તા, શિક્ષણ વિદ્દ ગીજુભાઈ ભરાડ, ટી.એસ.જોષી, પાર્થેશભાઈ પંડ્યા વગેરે મહાનુભાવો અને આમંત્રિત અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.ભાઈશ્રી રમેશભાઈએ જણાવ્યું કે,વિદ્યાર્થીઓમાં શીખવાની ભૂખ જાગવી જોઈએ, સન્માનિત શિક્ષકોમાં જે ગુરૂત્વ છે તેનું હું ભાવથી પૂજન કરવા આ કાર્યક્રમ કરૂ છું તથા પ્રો.અનિલ ગુપ્તાએ પોતાના અનુભવો શેર કરી દરેક બાળકને પોતાની કલ્પનાની દુનિયામાં આગળ વધવાની તક આપો,બાળકો જાતે સમસ્યા-પડકારોનો ઉકેલ શોધી શકે તેવું પીઠબળ આપો, જિજ્ઞાસા વૃતિ પ્રબળ બને અને સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી પ્રશ્ન પુછતા રહો વગેરે બાબતો પર ઉમદા માર્ગદર્શન આપ્યું હતું.હાસ્યલેખક,નિબંધકાર રતિલાલ બોરીસાગરે પ્રસંગ અનુરૂપ છાત્રો અને શિક્ષકોને પોતાની હળવી શૈલીમાં પ્રેરણા પુરી પાડી હતી. સન્માનિત શિક્ષકોની કામગીરીને બીરદાવતા પરિસંવાદમા જણાવ્યું કે,વર્ગનો રાજા શિક્ષક છે,વિદ્યાર્થીની દ્રષ્ટિમાં પોતાના શિક્ષકથી ઉચ્ચ સ્થાન કોઈનુ નથી,શિક્ષકે જે વેશ ધારણ કર્યો છે તે લાજે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. સંસ્થાના આચાર્યશ્રી,ચયન કમીટીના સભ્યો અને સહકાર્યકર્તાની મહેનતથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
