<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ગોંડલના હૃદય સમાન ગણાતા આશાપુરા અંડરપાસ પર આગામી એક મહિના સુધી વાહનોના પૈડાં થંભી જશે

13 મે થી 13 જૂન સુધી અંડરપાસમાં એન્ટ્રી પર પ્રતિબંધ:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું :નેશનલ હાઈવેથી ઉમવાડા ચોકડીનો રૂટ સંપૂર્ણ ડાયવર્ટ કરાયો:રામદ્વાર અને લાલ પુલ અંડરપાસનો ઉપયોગ કરવા મુસાફરોને સૂચના

સૌરાષ્ટ્રના મહત્વના મથક એવા ગોંડલ શહેરમાંથી પસાર થતા અને નેશનલ હાઈવેને શહેર સાથે જોડતા મુખ્ય માર્ગો પર ટ્રાફિકના નિયમનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગોંડલનો વ્યસ્ત અને જાણીતો આશાપુરા અંડરપાસ આગામી એક મહિના સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર, આશાપુરા અંડરપાસ તારીખ 13 મે 2026 થી 13 જૂન 2026 સુધી બંધ રહેશે. અંડરપાસના સમારકામ અથવા ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયને કારણે સ્થાનિકો અને હાઈવે પરથી આવતા મુસાફરોએ હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચોક્કસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

જે વાહનચાલકો નેશનલ હાઈવેથી ઉમવાડા ચોકડી થઈને ગોંડલ શહેરમાં પ્રવેશ કરવા માંગે છે, તેમણે હવે વૈકલ્પિક માર્ગ પસંદ કરવો પડશે. તંત્રની સૂચના મુજબ, વાહનચાલકો હવે રામદ્વાર અંડરપાસ અને લાલ પુલ અંડરપાસનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત, શહેરનો સાંઢીયાપુલ ઓવરબ્રિજ તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકનું ભારણ વહેંચાઈ શકે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું છે કે, શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ જાહેરનામાનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય છે. જો કોઈ પણ વાહનચાલક નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા બંધ અંડરપાસમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(12:40 AM IST)