<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત ત્રણ વિશાળ મેડિકલ કેમ્પ સંપન્ન : માનવસેવા યજ્ઞમાં સેંકડો દર્દીઓએ લીધો લાભ

ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી યોજાયેલા નેત્રયજ્ઞ, પલ્મોનોલોજી અને એન્ડોક્રાઇનોલોજી કેમ્પમાં અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ : નિષ્ણાત તબીબોએ આપી સેવાઓ

પોરબંદર : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અંતર્ગત માનવ સેવાયજ્ઞ સમાન ત્રણ મહત્ત્વના સુપર સ્પેશ્યાલિટી મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાતમા નોરતે સાંદીપનિ સંકુલની સાંદીપનિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં અનેક દર્દીઓએ નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાનો લાભ લીધો હતો.

દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોની ઉપસ્થિતિ:
તા. ૧૭-૧૦-૨૦૨૬, શનિવારના રોજ યોજાયેલ આ ત્રિવેણી મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ અવસરે સ્નેહી મુરબ્બી ગૌતમભાઈ ઓઝા, પોરબંદરના કલેકટર એસ.ડી.ધાનાણી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહજી જાડેજા, મેડિકલ કોલેજ પોરબંદરના ડીન ડો. સુશીલ કુમાર, વિનોદજી સાધુ (જાંબીયા), મનોરથી પરિવાર વતી દુબઈથી પધારેલ કિરણભાઈ પેથાણી, ટ્રસ્ટી અને માજી સાંસદ ભરતભાઈ ઓડેદરા, કચ્છના અર્જણભાઈ કાનગડ, સિનિયર મોસ્ટ ફિઝિશ્યન ડૉ. સુરેશભાઈ ગાંધી, અમદાવાદના ડો. વિવેક આર્ય, રાજકોટના પલ્મોનોલોજીસ્ટ ડો. જયેશભાઈ ડોબરીયા તેમજ ડો. નરસી વેકરીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર તન્ના સાહેબે પણ સાતમા નોરતે ઉપસ્થિત રહી શ્રીરામ ચરિત માનસ પાઠ અનુષ્ઠાન અને આરતીમાં જોડાઈ ભાઈશ્રીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞ અને અન્ય કેમ્પની વિશેષતાઓ:
 * નેત્રયજ્ઞ: શિવાનંદ મિશન આઈ હોસ્પિટલ, વીરનગરના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ૧૭૨ જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી ૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વીરનગર ખસેડાયા હતા.
 * પલ્મોનોલોજી કેમ્પ: ફેફસા અને શ્વાસના દર્દોના આ કેમ્પમાં ૫૮ દર્દીઓની તપાસ કરાઈ હતી. જેમાં ૧૩ પી.એફ.ટી., ૧૧ સી.ટી. સ્કેન, ૫૪ લેબોરેટરી તપાસ, ૨૬ ઇ.સી.જી. અને ૨ એક્સ-રે કરાયા હતા. રાજકોટના સિનિયર પલ્મોનોલોજીસ્ટ ડો. જયેશભાઈ ડોબરીયા (સિનરજી હોસ્પિટલ) અને ટીમ દ્વારા સેવા અપાઈ હતી.
 * એન્ડોક્રાઇનોલોજી કેમ્પ: આ કેમ્પમાં ૪૬ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદના સુપ્રસિદ્ધ સિનિયર એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. વિવેક આર્ય તથા તેમની ટીમ દ્વારા માનદ સેવા પૂરી પાડવામાં આવી હતી.

શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનના સાતમા દિવસના વિરામ સમયે પૂજ્ય ભાઈશ્રી દ્વારા આ કેમ્પમાં સેવા આપનાર તમામ તબીબો તથા તેમની ટીમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય યજ્ઞમાં તાપડિયા પરિવાર (સ્વ. રતનમૈયાની સ્મૃતિમાં), દાર-એ-સલામના ગં.સ્વ. કાંતાબેન રમણિકલાલ સૂચક પરિવાર સહિતના મનોરથીઓએ સહયોગ પૂરો પાડ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:29 PM IST)