<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

જસદણ-વિંછીયા પંથકમાં ચૂંટણી ચિત્ર સ્‍પષ્ટ થતાં ગામડે ગામડે નાસ્‍તાના તાવડાઓ શરૂ, મતદારોને રીઝવવા ગરમ ભજીયા-ગાંઠીયા સાથે મીઠાઈ પીરસાશે

ઉમેદવારો અને ટેકેદારો મત અંકે કરવા સક્રિય, પક્ષ પલટુઓ સામે મતદારોનો મૂડ કેવો રહેશે તેના પર સૌની નજર, પ્રજાની મુશ્‍કેલીઓ અને મોંઘવારીની અવગણના કરી રાત્રિ બેઠકોનો દોર શરૂ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા.૧૬: જસદણ-વિંછીયા પંથકમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી અંગે ચિત્ર સ્‍પષ્ટ થતાં આજથી ગામડે ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા ગરમા ગરમ ભજીયા અને ગાંઠીયાના તાવડાઓ શરૂ કરી મતદારોના મત અંકે કરવાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

મતદારો પાસે મત જેવું કાતિલ હથિયાર હોવા છતાં કેટલાય પક્ષ પલટુઓ અગાઉથી જ પક્ષની ઐસીતૈસી કરી વંડી ઠેકી ગયા છે. શાહી હજુ સૂકાઈ નથી ત્‍યાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારો અને કાર્યકરો પ્રજાની મુશ્‍કેલીઓ અને મોંઘવારીની અવગણના કરી રાત્રિના મતદારોને રીઝવવા માટે ગરમ નાસ્‍તાઓ સાથે મીઠાઈ પણ પીરસાય તેવું આયોજન થયું હોવાનું જાણવા મળે છે.

બેફામપણે, બેશરમીથી ચૂંટણી ચૂંટણીએ મનસ્‍વી રીતે પક્ષ બદલતા પક્ષ પલટુઓને જાકારો દેવાનો સમય હવે મતદારો પાસે છે. તાવડાઓ શરૂ થઈ ગયા છે ત્‍યારે મતદારો કેવો રંગ ઘૂંટશે તે આવનારો સમય જ બતાવશે. ઉમેદવારોના ખેલ હવે ખુલશે અને મતદારોનો મિજાજ પરિણામ નક્કી કરશે.

(10:45 AM IST)