<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

વડાપ્રધાન મોદીના અભિવાદન સમારોહમાં “સિદી બાદશાહ” ગ્રૂપના કલાકારોએ જમાવ્યો રંગ

આકર્ષક ડાન્સ અને એરિયલ પ્રયોગોથી દર્શકો મંત્રમુગ્ધ બન્યા: સ્ટેજ પર કલાકારોએ પરંપરાગત અને આધુનિક સંગીતના સંયોજન સાથે પોતાની કલાત્મક રજૂઆત કરી

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર :જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના અભિવાદન સમારોહ સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં “સિદી બાદશાહ” ગ્રૂપની ભવ્ય રજૂઆત વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. “સિદી બાદશાહ” ગ્રૂપના કલાકારો દ્વારા રંગબેરંગી વેશભૂષા અને ઊર્જાસભર તાલ સાથે મનમોહક ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

સ્ટેજ પર કલાકારોએ પરંપરાગત અને આધુનિક સંગીતના સંયોજન સાથે પોતાની કલાત્મક રજૂઆત કરી હતી. સાથે સાથે કેટલાક વિશેષ એરિયલ અને આર્ટ પ્રયોગો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
“સિદી બાદશાહ” ગ્રૂપના કલાકારોના તાલમેલભર્યા ડાન્સ, સ્ટેજ પ્રેઝન્ટેશન અને સર્જનાત્મક રજૂઆતને લોકો દ્વારા ભારે તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને સાંસ્કૃતિક રંગોથી છલકાઈ ઊઠ્યું હતું.
વડાપ્રધાન મોદીના આગમનને લઈને જામનગરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારો અને વિવિધ ગ્રૂપો દ્વારા પોતાની આગવી ઓળખ અને કલાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

(9:27 PM IST)