<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

તહેવારોને લઈ જામનગર જિલ્લામાં 31 ઓક્ટોબર સુધી હથિયારબંધી જાહેર : જાહેરનામાનો ભંગ કરનારને 1 વર્ષ સુધીની કેદ

ગાંધી જયંતિ, નવરાત્રી અને દશેરાને લઈ કાયદો-વ્યવસ્થા જાળવવા અધિક કલેક્ટર વિમલ ચૌધરીએ બહાર પાડ્યું જાહેરનામું : શસ્ત્રો, સ્ફોટક પદાર્થો અને વિભત્સ સૂત્રો પર પ્રતિબંધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.30 : આગામી દિવસોમાં મહાત્મા ગાંધી જયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તથા નવરાત્રી અને દશેરાના તહેવારો અને ઉત્સવોની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારીના ભાગરૂપે આગામી તા. 31/10/2026 સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિમલ ચૌધરી દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી કે લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન, કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વગેરે પદાર્થો સાથે રાખવા કે લઈ જવા નહીં, પથ્થરો અથવા ફેંકીને ઈજા પહોંચાડી શકાય કે સંપત્તિને નુકસાન કરી શકાય તેવી વસ્તુઓ કે ફેંકવાના/ધકેલવાના યંત્રો સાથે રાખવા નહીં, માનવ, માનવ શબ કે માનવ આકૃતિઓ કે પૂતળાં દેખાડવાં નહીં કે બાળવાં નહીં, અપમાન કરવાના કે જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં વિભત્સ સૂત્રો પોકારવા નહીં, ગીતો ગાવાં નહીં અને ટોળાંમાં ફરકવું નહીં અને પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ તથા એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉન હોલમાં નહીં પ્રવેશવાનો આવી તમામ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે.

 

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-37(1) મુજબ ઓછામાં ઓછી 4 મહિના અને વધુમાં વધુ 1 વર્ષ સુધીની કેદ તથા દંડની સજા કરવામાં આવશે.

 

આ જાહેરનામામાં ફરજ પરના સરકારી અધિકારી/કર્મચારીઓ, હોમગાર્ડ્ઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો, શારીરિક અશક્તિના કારણે લાઠી રાખવાની પરવાનગી મેળવેલ વ્યક્તિઓ, પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, લગ્ન પ્રસંગે તલવાર રાખનાર વરરાજા તથા યજ્ઞોપવીત આપતું હોઈ તેવા બડવાઓને દંડ રાખેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી કે સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી ધરાવતી વ્યક્તિઓ અને કિરપાણ ધારણ કરનાર શીખ ધર્મીઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં તેમ જાહેરનામામાં જણાવાયું છે.

(1:06 PM IST)