તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
જામનગર જિલ્લામાં મહોરમના તહેવારને અનુલક્ષીને 3 જુલાઈ 2026 સુધી હથિયારબંધી જાહેર, શસ્ત્રો અને ટોળા પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું, ભંગ બદલ 4 મહિનાથી 1 વર્ષ સુધીની કેદની જોગવાઈ, ફરજ પરના કર્મચારીઓને મુક્તિ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : આગામી દિવસોમાં મહોરમનો તહેવાર આવનાર છે. જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા.03-07-2026 સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી છે.
આ સમયગાળા સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો સાથે ફરવા પર પ્રતિબંધ રહેશે. મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવા પર પણ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 (1) મુજબ દંડની સજા, ઓછામાં ઓછાં 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે.
આ જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીઓ, કર્મચારીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલા હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલી હોય અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહિ.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
