તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
જામજોધપુરની મહીડી વીડીની મુલાકાતે અર્જુનભાઈ મોઢવાડિયા
મહીડી વીડી ખાતે ઘાસના ઉત્પાદન, વિવિધ જાતો, સંગ્રહ સહિતની કામગીરી અંગે વન વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી વિસ્તળત માહિતીઃ મોહનરામ, રાધીકા પરસાણા સહિતના ઉપસ્થિત

જામનગર, તા., ૩ : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ મહીડી વીડીની મુલાકાત લઈને સમગ્ર વિસ્તારની સ્થિતિ તથા વન વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તળત માહિતી મેળવી હતી.
મંત્રીશ્રીએ મહીડી વીડી ખાતે વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિસ્તારના ઘાસ ઉત્પાદન અંગે જાણકારી મેળવી હતી. અધિકારીઓ દ્વારા મહીડી વીડીમાં ઉપલબ્ધ ઘાસની વિવિધ જાતો, તેના ઉત્પાદનનું પ્રમાણ, ઘાસની ગુણવત્તા તેમજ સ્થાનિક સ્તરે તેની ઉપયોગિતા અંગે મંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મંત્રીશ્રીએ વિસ્તારમાં થતા ઘાસના ઉત્પાદનને વધુ સુવ્યવસ્થિત રીતે જાળવવા તેમજ જરૂરિયાતના સમયે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે માટે ઘાસના સંગ્રહની કામગીરી અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઘાસની ઉપલબ્ધતા, સંગ્રહ કરવાની પદ્ધતિ અને અન્ય જરૂરી કાળજી સહિતના વિવિધ પાસાઓ અંગે પણ માહિતી મેળવી હતી.
૪૯૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ મહીડી વીડીના સમગ્ર વિસ્તારની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી, કુદરતી સંસાધનોના સંરક્ષણ તથા ઘાસના સંવર્ધન સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે ઉપલબ્ધ કુદરતી સંસાધનોનું યોગ્ય સંચાલન થાય અને તેનો સ્થાનિક જરૂરિયાત મુજબ મહત્તમ ઉપયોગ થઈ શકે તે દિશામાં જરૂરી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મહીડી વીડી જેવા વિસ્તારોમાં ઉપલબ્ધ ઘાસના સંવર્ધન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગ્રહ થકી પશુધન માટે ઘાસની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે વન વિભાગની કામગીરી મહત્વપૂર્ણ બની રહે છે. મંત્રીશ્રીની મુલાકાતથી આ સમગ્ર કામગીરી અંગે સ્થળ પર જ જરૂરી માહિતી અને માર્ગદર્શનની આપ-લે થઈ હતી.
તેમની સાથે જૂનાગઢ વર્તુળના વનસંરક્ષક મોહનરામ, નાયબ વન સંરક્ષકશ્રી રાધિકા પરસાણા, વન વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
