<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

બરડા પંથકના સિંચાઇ પ્રશ્નોનો નિવેડો લાવવા અર્જુનભાઇ મોઢવાડીયાની ખાતરી

કેબીનેટ મંત્રી અર્જુનભાઇએ ‘સૌની યોજના' હેઠળ સોરઠી ડેમ અને વર્તુ-ર ડેમ સુધી પાઇપ લાઇન લંબાવવા સહિતના પ્રશ્નો શાંતિથી સાંભળ્‍યા

(પરેશ  પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૪: બરડા પંથકના આગેવાનો અને ખેડુતોએ કેબિનેટ મંત્રી મોઢવાડિયાને રૂબરૂ  રજુઆત બાદ સોરઠી ડેમ અને વર્તુ બે ડેમ સુધી સૌની યોજનાની પાઈપ લાઈન લંબાવવા તથા મોટી ક્ષમતાની પાઇપલાઇન નાખવા  માંગણી અંગે મંત્રી અર્જુનભાઇએ યોગ્‍ય કરવાની આપી ખાતરી હતી.

તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા સહિત સીમર, રાણા રોજીવાડા અડવાણા સહિત ગામના લોકોએ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાના નિવાસસ્‍થાને રૂબરૂ મુલાકાત કરી હતી અને રજુઆત કરી હતી કે, હાલ પોરબંદર વિસ્‍તારમાં સૌની યોજનાનું પાણી રોજીવાડા તળાવ, સીમર તળાવ, ધ્રોકડ ડેમ, સોરઠી-અડવાણા ડેમ તથા વર્તુ-૨ ડેમમાં આવે છે, જેના કારણે આ વિસ્‍તારના ખેડૂતોને સિંચાઈ તથા પીવાના પાણીનો લાભ મળી રહ્યો છે.પરંતુ હાલ સૌની યોજનાની લાઇનની ક્ષમતા ઓછી હોવાથી પાણીના વિતરણમાં ખેડૂતોને અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.

હાલ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવા ગામથી સોરઠી ડેમ-અડવાણા સુધીની સૌની યોજનાની લાઈન ૬૦૦ એમ.એમ.ની છે. આ લાઇનમાં રસ્‍તામાં ૨૫૦-૨૫૦ ના ચાર વાલ્‍વ આવે છે. રૂપામોરા, રોજીવાડા, સીમર અને સણખલા એમ ચાર સ્‍થળોએ વાલ્‍વ આવેલ છે.લાઇનની ક્ષમતા ઓછી હોવાથી વધુમાં વધુ ત્રણ વાલ્‍વમાંથી જ પાણી છોડવામાં આવી શકે છે, તે પણ પુરતા પ્રેશર વગર. જો એક અથવા બે વાલ્‍વમાંથી પાણી છોડવામાં આવે તો ત્‍યાં પાણી પ્રેશરથી મળી શકે છે,પરંતુ અન્‍ય વાલ્‍વ ઉપર ખેડૂતો પાણીની રાહ જોઈને બેઠા હોય છે અને તેમને સમયસર પાણી મળતું નથી.પરિણામે ખેડૂતોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે.

 સોરઠી ડેમ તરફ જતી હાલની ૬૦૦ એમ.એમ.ની લાઈનની જગ્‍યાએ ૧૪૦૦ એમ.એમ. અથવા જરૂરિયાત મુજબ તેનાથી મોટી ક્ષમતાની લાઇન નાખવામાં આવે, તો જરૂરિયાતના સમયે સોરઠી ડેમ ઝડપથી ભરી શકાય. સોરઠી ડેમમાં પાણીનો પૂરતો સંગ્રહ થાય તો તેમાંથી પ્રેશરથી પીવાના પાણી માટે તેમજ પાણીની અછતના સમયે ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્‍ધ કરાવી શકાય અને ખેડૂતોનો ઉભો પાક બચાવી શકાય.

વધુમાં, હાલ વર્તુ-૨ ડેમ દ્વારકા જિલ્લામાં આવેલો હોવા છતાં તેના પિયત વિસ્‍તારમાં મોટાભાગનો વિસ્‍તાર પોરબંદર તાલુકાનો છે.

ઈશ્વરીયા, ભોમિયાવદર, અડવાણા, સોઢાણા સુધીનો જમણા કાંઠાનો વિસ્‍તાર તથા ડાબા કાંઠે પારાવાડાથી મોરાણા, કુાવદર, ખાંભોદર, મજીવાણા, કિંદરખેડા, ભેટકડી, ફટાણા, શિંગડા અને શીશલી સહિતના પોરબંદર તાલુકાના ગામોને કેનાલ તથા નદીના વહેણ મારફતે પાણીનો લાભ મળે છે.આ રીતે પોરબંદર તાલુકાના આશરે ૧૫ થી ૧૭ ગામોના ખેડૂતોને વર્તુ-૨ ડેમથી પાણીનો લાભ મળે છે. હાલ સૌની યોજનાની લાઇન મારફતે વર્તુ-૨ ડેમમાં પાણી નાખવામાં આવે છે, જેના કારણે પોરબંદર તાલુકાના અનેક ગામોને તેનો લાભ મળી રહ્યો છે.પરંતુ હાલ સૌની યોજનાની લાઈન ૭૦૦ એમ.એમ.ની છે અને ડેમથી વાલ્‍વ આશરે ૧૦ કિ.મી. દૂર હોવાથી પાણી છોડ્‍યા બાદ વર્તુ-ર ડેમ વિસ્‍તારમાં પાણી પહોંચવામાં આશરે ૧૦ થી ૧૨ દિવસનો સમય લાગી જાય છે. ખેડૂતોને જ્‍યારે તાત્‍કાલિક પાણીની જરૂર હોય ત્‍યારે આટલો લાંબો સમય રાહ જોવી પડે છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની શકયતા રહે છે.

ખેડુતોએ અર્જુનભાઇને રજુઆતમાં જણાવેલ કે, હાલની ૭૦૦ એમ.એમ.ની લાઇનની જગ્‍યાએ ૧૪૦૦ એમ.એમ. અથવા ૨૦૦૦ એમ.એમ.ની મોટી ક્ષમતાની લાઇન નાખવામાં આવે અને આ લાઈનને સીધી વર્તુ-૨ ડેમ સુધી લંબાવવામાં આવે.વધુમાં, વર્તુ-૨ ડેમ સુધી લાઇન લંબાવીને રોજીવાડા ગામે આવેલ સ્‍મશાનની બાજુમાં આવેલા માછલીયારા વેઠરા સુધી લાઇન લંબાવી ત્‍યાં આ લાઈનનું મુખ મુકવામાં આવે, તો સૌની યોજનાનું પાણી સીધું જ વર્તુ-૨ ડેમમાં ઙ્કવેશી શકે તેમ છે.આ વ્‍યવસ્‍થા કરવામાં આવે તો પાણી પહોંચવામાં થતો ૧૦ થી ૧૨ દિવસનો વિલંબ પણ દૂર થઈ શકે અને જરૂરિયાતના સમયે ડેમમાં ઝડપથી પાણી ભરી શકાય.

થોડા દિવસો અગાઉ  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા જામનગર તથા દ્વારકા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી માટે ૬૦૦ એમ.સી.એફ.ટી. પાણીની ફાળવણી કરવામાં આવી હતી.મુખ્‍યમંત્રી દ્વારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા આ નિર્ણયથી ખેડૂતોને મોટો લાભ મળ્‍યો છે.એ જ રીતે જો મોટી ક્ષમતાની સૌની યોજનાની લાઇન વર્તુ-૨ ડેમ સુધી લંબાવવામાં આવે અને જરૂરિયાત મુજબ આશરે ૨૫૦ થી ૩૦૦ એમ.સી.એફ.ટી. પાણી વર્તુ-૨ ડેમમાં પહોંચાડવામાં આવે, તો આ પાણી ડેમમાંથી બંને કાંઠાની કેનાલોમાં તેમજ નદીના વહેણ મારફતે છોડીને પોરબંદર તાલુકા સહિતના લાભાર્થી ગામોના ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય. આ કામગીરીથી પોરબંદર તાલુકાના આશરે ૧૭ ગામો તથા ભાણવડ તાલુકાના આશરે ૧૫ ગામો, એટલે કે બંને તાલુકાના આશરે ૩૨ ગામોના ખેડૂતોને સીધો લાભ મળી શકે તેમ છે. ઉપરાંત વર્તુ-ર ડેમની કેનાલ તથા નદીના વહેણ મારફતે નીચેના વિસ્‍તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપી શકાય તેમ બરડા પંથકના ખેડુતોએ જણાવ્‍યું હતું.

(11:47 AM IST)