News of Friday, 27th November 2026
GSOS-SSC-HSC 2026 પરીક્ષાને અનુલક્ષીને જામનગરના પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા
પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની હદમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહીં તેમજ ગેરકાયદેસર મંડળી રચવી નહીં

જામનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.30/11/2026 થી તા.09/12/2026 દરમિયાન GSOS-SSC-HSC 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિઓ અટકાવવા, નિયમોનુસાર પરીક્ષા આપતા તેજસ્વી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રો અથવા તેના તૈયાર ઉત્તરો કોપિયર મશીન દ્વારા તૈયાર કરીને પરીક્ષા ખંડ સુધી પહોંચાડવા તેમજ મોબાઈલ ફોન મારફતે પરીક્ષાર્થીઓને મદદ કરવાના બનાવો બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવ્યા છે.
જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની હદમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહીં તેમજ ગેરકાયદેસર મંડળી રચવી નહીં. કોપિયર મશીન દ્વારા નકલનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તેમજ અંગત ઉપયોગ માટે કોપિયર મશીન ધરાવતા (સરકારી/અર્ધ સરકારી કે જાહેર સાહસો સિવાયના) વ્યક્તિઓએ પરીક્ષાને લગતા પ્રશ્નપત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કાઢવી નહી. પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ, ઇલેક્ટ્રિક સાધનો, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રિક વોચ કે અન્ય અનાધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર સુધીના વિસ્તારમાં લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ પરીક્ષાઓ જામનગરની ભવન્સ શ્રી એ.કે.દોશી વિદ્યાલય, શ્રી બ્રીલીયન્ટ હાઈસ્કુલ, સેન્ટ આન્સ હાઈસ્કુલ ખાતે સવારે 10:00 થી 1:45 સુધી તથા બપોરે 3:00 થી 6:15 સુધી યોજવામાં આવશે
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
