<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

જેતપુરમાં નવા બનતા કોમ્‍પલેક્ષ માટે વોકળા ઉપર સ્‍લેબ ભરી દેવાની મંજુરીથી લોકોમાં રોષ

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., રઃ  જેતપુર શહેરના ધોરાજી રોડ પર નવા બનતા કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્ષને સીધો મુખ્‍ય રોડનો લાભ મળે અને તેઓનું કોમ્‍પલેક્ષ કરોડો રૂપિયાનું બની જાય તે માટે વોકળા પર સ્‍લેબ ભરી કુદરતી વહેણ અવરોધવાની નગરપાલિકા દ્વારા પેલાં મંજૂરી આપી અને વિરોધ ઉઠતા કોમર્શિયલ કોમ્‍પલેક્ષના બિલ્‍ડરોને વોકળા પર દબાણ અંગે નોટીસ અપાશે.

આ નગર પાલિકાની મંજૂરીનો વિરોધ ખુદ પાલિકાના ભાજપના સદસ્‍યા એ જ કર્યો છે. ઉપરાત નગર પાલિકાએ અન્‍ય આસામીને વોકળા ઉપરનું દબાણ દૂર કરવાની નોટિસ આપી છે. પાલિકાની બેધારી નીતિ કેમ તેવો લોકોમાં પ્રશ્ન ઉઠયો છે.

 શહેરના ધોરાજી રોડ પર રેલ્‍વે ઓવરબ્રિજથી નગરપાલિકા કચેરી સુધી કુદરતી વહેણ રૂપ વોકળો સળંગ  આવેલ છે. જેમાં રોડ અને સામેના બાજુની જગ્‍યા વચ્‍ચે વર્ષોથી કુદરતી વહેણ રૂપે આ વોકળો વહે છે. હવે આ વોકળો રોડ અને વોકળાની સામેની બાજુ પ્‍લોટ ધરાવતા આસમીઓને નડવા લાગ્‍યો છે કેમકે જો તેની જમીન રોડ કાંઠે હોય તો પ્રાઈમ લોકેશન ગણાય અને તેની ઉંચી કિંમત આવે પરંતુ વોકળાને કારણે પ્‍લોટની કિંમત ગણાતી ન હતી. હવે આવા આસમીઓને નગરપાલિકાનો સાથ મળ્‍યો અને તેઓના પ્‍લોટને રોડ કાંઠે લાવી કિંમતી બનાવવા વોકળા પર સ્‍લેબ ભરી નાખીએ તો ચાલવાનો રસ્‍તો ઉપરાંત વિશાળ ર્પાકિંગ પણ મળી રહે તે માટે વોકળા પર નગરપાલિકાએ સ્‍લેબ ભરવાની મંજૂરી આપી. અને નવા ઓવરબ્રિજથી વોકળા પર સળંગ સ્‍લેબ ભરાવવા લાગ્‍યા અને હવે તો વોકળો કયાં હતો તે શોધવું પડે તેવું થઈ ગયું છે. નગરપાલિકાના ભાજપના સદસ્‍ય અમીબેન ગુંદણીયાએ વોકળા પર દબાણ અંગે નગરપાલિકાના ચીફઓફિસરને એક લેખિત ફરીયાદ કરી રજુઆત કરી છે કે આજ વોકળા પર આગળ રહેતા કેટલાક મિલકત આસમીઓને નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની નોટીસ આપી છે અને બિલ્‍ડરોને કોમર્શિયલ કોમ્‍પલેક્ષ બનાવવા વોકળા પર સ્‍લેબ ભરી દબાણ કરવાની મંજૂરી આપી આવી બેધારી નીતિ ન ચાલે જેથી નવા બનતા બાંધકામને અટકાવી વોકળા પર બનેલ અને નવા બનતા દબાણો દૂર કરવા.

 આ અંગે નગરપાલિકાના ચીફઓફિસર પાર્થિવ પરમારને પૂછતાં તેઓએ જણાવેલ કે, અમોએ વોકળા પર સ્‍લેબ ભરવાની મંજૂરી તે મુજબ આપી છે કે સ્‍લેબ નીચે પાણીનું વહેણ રોકાય નહિ. પરંતુ હવે આ બાબતે અમો જે કોઈને મંજૂરી આપી છે તેઓને નોટીસ આપવાના અને દબાણની તપાસ કરવાના છીએ. આ અંગે સરકારના સીજીડીસીઆર ( કમ્‍પ્રેન્‍સીવ જનરલ ડેવલપમેન્‍ટકન્‍ટ્રોલ રેગ્‍યુલેશન ) વ્‍યાપક સામાન્‍ય વિકાસ નિયંત્રણ નિયમો મુજબ વોકળા પર કોઈ સ્‍લેબ ભરી શકતો નથી કે તેને પુરાણ કરી શકતો નથી. વોકળાની સફાઈ દરમિયાન કે ચોમાસામાં વધુ પડતું પાણી ભરાય જાય ત્‍યારે જેસીબી કે મશીનરી ઉતારવી પડતી હોય છે જે સ્‍લેબ ભરાય જવાથી પાણી નિકાલ કે સફાઈમાં સ્‍લેબ અડચણરૂપ બને આ નિયમ મુજબ વોકળા કાંઠે જે કોઈ બાંધકામ માટે નગરપાલિકા સમક્ષ મંજૂરી મૂકે ત્‍યારે બાંધકામ પરવાનગીમાં સ્‍પષ્ટ ઉલ્લેખ હોય છે કે બાજુમાંથી પસાર થતા વોકળા કે કુદરતી વહેણ અવરોધવો નહિ તેમજ નિયમ મુજબનું માર્જિન છોડવું અને જો આ શરતનો ભંગ થશે તો પ્‍લાન મંજૂરી આપોઆપ રદ થશે. જ્‍યારે ગ્રીન ટ્રીબ્‍યુનલના નિયમ મુજબ તો કુદરતી વહેણ બંધ કરવું તે એક ગંભીર ગુન્‍હો છે.

(1:21 PM IST)