તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 15th May 2026
શેર બજાર અને ક્રિપ્ટોમાં નફાની લાલચ આપી કરોડોની ઠગાઈથી સાવચેત રહેવા અપીલ
જામનગર સાયબર ક્રાઈમ સેલની જનજાગૃતિ પહેલ

જામનગર, તા.૧૫: જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સોશિયલ મીડિયામાં એક જનજાગળતિ વિડિયો જાહેર કરી નાગરિકોને ઓનલાઈન રોકાણ ઠગાઈથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમો પર વી.આઈ.પી. ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ બનાવી શેર બજાર તથા ક્રિપ્ટોમાં રોકાણ કરાવી વધુ નફો અપાવવાની લાલચ આપી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું સાયબર સેલે જણાવ્યું છે.
સાયબર ગુનેગારો નિર્દોષ લોકોને વિશ્વાસમાં લઈ ઓછા સમયમાં બમણો નફો અપાવવાના ખોટા વાયદા કરે છે. શરૂઆતમાં નાના નફા બતાવી લોકોનો વિશ્વાસ જીત્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી આખી મૂડી ગાયબ કરી દેતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. અનેક નાગરિકો પોતાની મહેનતની કમાણી આવી ખોટી યોજનાઓમાં ગુમાવી બેઠા હોવાનું પણ સામે આવ્યું છે.
જામનગર સાયબર ક્રાઈમ સેલે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી રોકાણ યોજના, સોશિયલ મીડિયા ગ્રુપ અથવા એપ્લિકેશનમાં જોડાતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. વધુ નફાની લાલચ આપતા મેસેજ અને લિંકો પર વિશ્વાસ ન કરવા તેમજ કોઈ અજાણ્યા વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર ન કરવા સૂચના આપવામાં આવી છે.
સાયબર સેલે વધુમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આવી ઓનલાઈન ઠગાઈનો ભોગ બને તો તરત જ ૧૯૩૦ હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધવો તેમજ રાષ્ટ્રીય સાયબર ગુના પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી. સમયસર ફરિયાદ નોંધાવવાથી ગુમાવેલી રકમ બચાવવાની શકયતા વધી શકે છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરાયેલ જનજાગળતિ વિડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે, જેથી વધુ પરિવારો ઓનલાઈન રોકાણના નામે થતી છેતરપિંડીથી બચી શકે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
