<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ગોંડલ પાસે ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી ગયોઃ પતરા ચીરી ડ્રાઇવરનો જીવ બચાવાયો

ડ્રાઇવર સહિત બેને ઇજાઃ અકસ્‍માતના પગલે જામ થયેલ ટ્રાફિકને પોલીસે પૂર્વવત કરાવ્‍યો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.ર :..  ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર રોડ પર ઉભેલા ટ્રક  પાછળ  ટ્રોલી સાથેનો ટ્રક અથડાતા  અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક સહિત બે વ્‍યકિત ઇજાગ્રસ્‍ત થયા હતા. પતરા ચીરીને ડ્રાઇવરનો જીવ બચાવાયો હતો.

 નેશનલ હાઇવે જામવાડી જીઆઈડીસી નજીક પૂરપાટ ઝડપે આવી રહેલો ટ્રોલી ટ્રક રોડ પર ઉભેલા ટ્રક નાં ઠાઠા સાથે ધડાકાભેર  અથડાતા  ટ્રોલી ટ્રકની આગળની કેબિનનો કચ્‍ચરઘાણ નીકળી ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્‍માત બાદ સ્‍ટીયરિંગ અને તૂટેલા પતરાં વચ્‍ચે ટ્રોલીનો ચાલક લોહીલુહાણ હાલતમાં અંદર જ ભીંસાઈ જતાં ચીસાચીસ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર ફાઈટર રેસ્‍કયુ ટીમ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી અને કટર તેમજ જેક જેવા આધુનિક સાધનોની મદદથી ૩૦ મિનિટ સુધી ભારે જહેમત ઉઠાવી પતરાં ચીરીને ડ્રાઈવરને મોતના મુખમાંથી  બહાર કાઢી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે તાત્‍કાલિક ગોંડલ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.સર્જાયેલા અકસ્‍માત માં પંજાબ નાં લાલપ્રિતસિંઘ અમરજીતસિંઘ તથા જગમાલભાઇ પરૈયા ઈજાગ્રસ્‍ત બન્‍યા હતાં.બન્ને ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

અકસ્‍માત નાં પગલે બંને વાહનો રસ્‍તાની વચ્‍ચે જ ફસાઈ જતાં નેશનલ હાઈવે પર વાહનવ્‍યવહાર  ખોરવાઈ ગયો હતો અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતાં ચક્કાજામની સ્‍થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં  પોલીસ કાફલો તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગયો હતો.ક્રેઈનની મદદથી અકસ્‍માતગ્રસ્‍ત ટ્રક અને ટ્રોલીને રસ્‍તાની બાજુમાં ખસેડી  ટ્રાફિક હળવો કરાવ્‍યો હતો.

(11:39 AM IST)