<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો વધુ એક 'હવાલાકાંડ'નો વીડિયો વાયરલઃ નારાજ નેતાએ કર્યું સ્ટિંગ ઓપરેશન

મતદારોને વહેંચવા માટે ગામવાર થેલામાં પૈસા ભરતા હોવાનો વીડિયો લીકઃ માંડાવડ-રતાંગમાં પૈસા પહોંચ્યા, કરકડી-બરડીયાના તૈયાર થતા હોવાનો દાવો

રાજકોટ તા.૨૫: સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીનો વધુ એક કથિત હવાલાકાંડનો વીડિયો વિસાવદરથી લીક થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં બે વ્યકિતઓ વિસાવદર તાલુકાના મતદારોને વહેંચવા માટે કવરમાં પૈસા ભરી રહ્યા હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વીડિયોમાં અલગ અલગ ગામના નામ લખેલા થેલાઓમાં કવર ભરવામાં આવી રહ્યા છે અને ટેબલ પર નોટોના થપ્પા પડેલા દેખાય છે. વીડિયોમાં સ્પષ્ટ સંભળાય છે કે માંડાવડ અને રતાંગ ગામના પૈસા આગલા દિવસે પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે આજે કરકડી તેમજ બરડીયા ગામના થેલા તૈયાર થઈ રહ્યા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીના જ કોઈ નારાજ કાર્યકર્તા દ્વારા આ વીડિયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો છે. ટિકિટ વહેંચણીનો ખાર મનમાં રાખીને બેઠેલા જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના એક નેતા દ્વારા જ આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું કે વીડિયોમાં સંભળાતો અવાજ જુનાગઢના આપના તે નેતા સાથે મેચ થાય છે.

વીડિયો વાયરલ થયા બાદ વિસાવદરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ચૂંટણી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. હાલ વીડિયોની અધિકૃતતાની પુષ્ટિ થઈ નથી.

(2:10 PM IST)