News of Thursday, 17th September 2026
અંબાજી ખાતે એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન યોજાયું: ૨૯ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન સાથે એસ.ટી. સ્માર્ટ કાર્ડ અને ૨૮ શિક્ષકોને વિશિષ્ટ પારિતોષિક

આટકોટ તા. ૧૭ :.. અંબાજી ખાતે તાજેતરમાં ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન સંપન્ન થયું હતું. બનાસકાંઠા જિલ્લાના યજમાન પદે યોજાયેલા આ મહાસંમેલનમાં રાજ્યભરમાંથીએવોર્ડી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભના અધ્યક્ષ સ્થાનેથી પાલનપુરના યુવા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, મારા સિવાય મારો આખો પરિવાર શિક્ષણ જગત સાથે જોડાયેલો છે. મુખ્ય વક્તા તરીકે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ. આઈ. જોશીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, જે વિદ્યાર્થીના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે તે જ સાચો અને શ્રેષ્ઠ શિક્ષક છે, અને એવોર્ડી શિક્ષકોએ સમાજમાં પોતાની આ શ્રેષ્ઠતા સતત જાળવી રાખવી પડશે. આ પ્રસંગે શ્રીરામ વિદ્યાલય પાલનપુરના મેનેજિંગ ટ્રસ્ટી રામચંદભાઈ એસ. ગોવિંદા પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ગરિમામય સમારંભમાં વર્ષ ૨૦૨૫ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર ૨૯ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ તેમને ગુજરાત રાજ્ય પરિવહન (S.T.) નિગમની બસોમાં નિઃશુલ્ક મુસાફરી માટેના સ્માર્ટ કાર્ડ એનાયત કરાયા હતા. આ ઉપરાંત, ફેડરેશનની પરંપરા મુજબ ક્રિડા સાધના, રમત માર્ગદર્શક, વિદ્યાનિધિ, પર્યાવરણ રક્ષક, વિજ્ઞાન સાધના અને સમાજ રત્ન જેવા વિશિષ્ટ પારિતોષિકો ૨૮ શિક્ષકોને અર્પણ કરવામાં આવ્યા હતા.
અધિવેશન પૂર્વે યોજાયેલી કારોબારી અને સાધારણ સભામાં એવોર્ડી શિક્ષકોની મોટી હાજરી વચ્ચે આગામી સમયમાં ફેડરેશનનું ‘ઈ-મેગેઝીન' શરૂ કરવા, નવી ડિરેક્ટરી તૈયાર કરવા તેમજ બંધારણની પુનઃરચના કરવા અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.
આ પ્રસંગે અંબાજી ટેમ્પલ કમિટીના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનુભાઈ ચોકસી તથા ટાટા મોટર્સના કનુભાઈ અગ્રવાલ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ પદેથી સંબોધન કરતા શ્રી કૌશિક મોદીએ પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીના સંસ્મરણો તાજા કર્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજનમાં માતળશ્રી એસ.એસ. ગોવિંદા ફાઉન્ડેશન (પાલનપુર), નવનીત એજ્યુકેશન લિમિટેડ (અમદાવાદ), શિવશંકર ચુનીલાલ જોશી ચેરીટેબલ ટ્રસ્ટ્ (મુંબઈ-હડાદ), ટાટા મોટર્સ (પાલનપુર) અને નિલેશભાઈ બુંબડિયા (અંબાજી)નો સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહામંત્રી સંજયભાઈ પટેલે ફેડરેશનની રૂપરેખા આપી હતી, પ્રમુખ શૈલેષભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને ઉમેશભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. આ મહાસંમેલનને સફળ બનાવવા બનાસકાંઠાના એવોર્ડી શિક્ષકો વીરચંદભાઈ પંચાલ, શિવરામભાઈ પ્રજાપતિ, કનુભાઈ આચાર્ય, ઉમેશભાઈ પટેલ અને શ્રી ચંદુભાઈ મોદી સહિતના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. (તસવીરો કરશન બામટા આટકોટ)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
