<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

રાજ્ય સરકારના આદેશથી બદલી પામેલા 2014 બેચના IAS અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ કચ્છ જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો, વિકાસલક્ષી કામગીરીને આપશે વેગ

છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા સુચારુ અમલીકરણને અપાશે અગ્રતા; વિવિધ એસોસિએશન, સ્ટેકહોલ્ડર્સ સાથે સંકલન સાધીને કચ્છના સર્વાંગી અને સમતોલ વિકાસની નેમ વ્યક્ત કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : રાજ્ય સરકાર દ્વારા કરાયેલ બદલી અને નવી નિયુક્તિને પગલે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે શ્રી અનિલ રાણાવસિયાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે.

 

કાર્યભાર સંભાળ્યા બાદ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં આગામી સમયમાં તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનું સુચારુ અમલીકરણ થાય તે બાબતને પ્રાથમિકતા આપશે. કચ્છના શહેરોથી લઈને છેવાડાના નાગરિકોને યોજનાઓનો લાભ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. તેઓએ કચ્છના વિવિધ એસોસિએશન, સ્ટેકહોલ્ડર્સ સાથે સંકલન સાધીને કચ્છના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી હતી.

 

કચ્છના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા 2014 બેચના (RR 2014) આઈ.એ.એસ અધિકારી છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને તેઓએ બી.ટેક. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.

 

આ નિયુક્તિ પૂર્વે શ્રી અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ ખાતે જિલ્લા કલેક્ટર, રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, ખેડા જિલ્લામાં મદદનીશ કલેક્ટર, અમદાવાદ ખાતે નગરપાલિકાઓના આર.સી.એમ. અને ગાંધીનગર ખાતે અન્ન, પુરવઠા વિભાગ તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીમાં ફરજો બજાવી ચૂક્યા છે.

 

(3:21 PM IST)