News of Monday, 28th September 2026
ગોંડલ પાસે અકસ્માતમાં અનીડા ભાલોડીના દંપતિ અને ૧૩ વર્ષના પુત્રના મોતથી અરેરાટી
જયેશભાઇ બગડા પત્ની અને પુત્ર સાથે રામોદ ભત્રીજીની ખબર પૂછવા જતા'તાને કાળ ભેટી ગયોઃ અંતિમયાત્રામાં ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૮: ગોંડલ તાલુકાના ઘોઘાવાદર અને રામોદ ગામ વચ્ચે ઝડપભેર આવી રહેલી એક કારે એક્ટિવાને જોરદાર અડફેટે લેતાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ અનિડા ભાલોડી ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉં.વ. ૪૦), તેમનાં પત્ની શાંતુબેન (ઉં.વ. ૩૭) અને તેમનો ૧૩ વર્ષનો પુત્ર વ્રજ પોતાની ભત્રીજીની ખબર પૂછવા માટે એક્ટિવા જી જે-૦૩-એલએસ- ૫૯૭૧ પર રામોદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘોઘાવાદર-રામોદ વચ્ચે પૂરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૨૩-સીએફ-૦૪૭૨ નંબર ની કાર ના ચાલકે એક્ટિવાને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા અને કાર બંને માર્ગની સાઈડમાં ખાબકયા હતા અને એકટીવામાં સવાર ત્રણેયના મોત થયા હતા. માતા પિતા સાથે મોત ને ભેટેલો વ્રજ ખાનગી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો. જયેશભાઈને સંતાનમાં વ્રજ ઉપરાંત સોળ વર્ષની દિકરી છે.જે ઘરે તેના દાદા પાસે હતી.અને સાથે આવી ન હતી.અકસ્માત માં તેણીએ માતા પિતા અને ભાઇ ગુમાવ્યા છે. બનાવ ની કરુણતા એછે કે જયેશભાઈ એ બચપન માં માતા ગુમાવ્યા બાદ તેના પિતા કરશનભાઇ એ જયેશભાઈ ઉપરાંત ત્રણ દિકરીઓ નો ઉછેર કરી તમામ ને પરણાવી પિતા ની ફરજ પુર્ણ કરી હતી.એકનાં એક પુત્ર અને ઘડપણ નાં સહારા એવા પુત્ર જયેશભાઈ ઉપરાંત પુત્રવધુ તથા પૌત્ર નાં અકસ્માત માં મોત નિપજતા વયોવળદ્ધ કરશનભાઇ ભાંગી પડ્યા હતા અને હતપ્રત બન્યા હતા. અકસ્માત ની ઘટના બાદ ત્રણેય મળતદેહ ને પીએમ માટે ગોંડલ હરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યા પીએમ બાદ અનિડા પહોંચતા કરવા માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ તથા નિહાર ના સામાન ની વ્યવસ્થા કરી હતી. કાર ચાલક આણંદના રહેવાસી હિરલબેન નીરજભાઈ પટેલ જેમના પતિ કાજુના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના અન્ય ત્રણ મહિલા સ્નેહીઓ સાથે કારમાં સાળંગપુર અને ગોંડલ અક્ષર મંદિરે દર્શન કરવા આણંદથી મધરાતે ૨:૩૦ વાગ્યે નીકળ્યા હતા. પરંતુ ગોંડલ અક્ષર મંદિરે પહોંચે તે પહેલાં જ વહેલી સવારે ઘોઘાવદર નજીક તેમની કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકજ પરિવારના ત્રણ સભ્યો ના મોત નીપજતા કારમાં સવાર મહિલાઓ ભારે આઘાતમાં સરી પડી હતી. અનિડા ભાલોડી ગામે ત્રણેની એકી સાથે અંતિમયાત્રા ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
