તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
દસાડા પાસે દારૂ ભરેલ કાર મુકી બે શખ્સો ફરારઃ સુરેન્દ્રનગર પંથકમાં બે દરોડાઃ ૩૬રર બોક્ષ, પરર ટીન સહિત રર લાખનો મુદામાલ કબ્જે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૯: વઢવાણ લખતર હાઈવે પર એલસીબી ટીમે રેડ કરી દારૂ સહિત રૂપીયા ૧૦.૧૩ લાખના મુદ્દામાલ સાથે રને દબોચી લીધા છે. બીજી તરફ દસાડા ગ્રામ્યમાં દારૂ ભરેલ કાર મુકી ૨ ફરાર થઈ ગયા છે. જયારે તેની આગળ કારમાં પાયલોટીંગ કરતો નવા સવલાસનો યુવાન ઝડપાયો છે. બન્ને દરોડામાં પોલીસે દારૂ-બીયર, કાર, મોબાઈલ સહિત રૂપીયા ૨૨,૬૨,૮૨૯નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમના એએસઆઈ લક્ષ્મણસિંહ ઝાલા, ગોપાલસિંહ, મેહુલભાઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન એસ.એસ. વ્હાઈટ ફેકટરી સામે દારૂની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વઢવાણની સુડવેલ સોસાયટીમાં રહેતા જાહીદ ઉર્ફે લાલો અબ્બાસભાઈ લાખવા અને હસન ખલીલભાઈ શેખ દારૂ-બીયર સાથે મળી આવ્યા હતા. પુછપરછ કરતા જાહીદે જણાવ્યુ કે, તે અને જુની હાઉસીંગ સોસાયટીમાં રહેતો રીયાઝ ઉર્ફે રોકી ઉર્ફે પ્રફુલ મહેબુબભાઈ ભાગીદારીમાં દારૂનો ધંધો કરે છે અને આ દારૂ રાજસ્થાનના સાંચોરનો રાજુ મારવાડી આપી ગયો હતો. પોલીસે બન્નેની ૨૦૮૯ દારૂની બોટલો, ૩૬૨ બીયરના ટીન, ૨ મોબાઈલ અને કાર મળી રૂપીયા ૧૦,૧૩,૨૦૬ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ચારેય સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. અન્ય ર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી એમ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.
પાટડી ડીવાયએસપી સ્કવોડને દસાડા તાલુકાના મીઠાઘોડાથી મુલાડા તરફ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ ડીઝાયર કારની બાતમી મળતા રાતના ૩-૧૫ કલાકે વોચ રખાઈ હતી. જેમાં દારૂ ભરેલ સ્વીફટ ડીઝાયર કારની આગળ આઈ ૧૦ કારમાં પાયલોટીંગ કરતો નવા સવલાસનો ૨૭ વર્ષીય ઈમ્તીયાઝ મહમદખાન મલેક ઝડપાયો હતો. જયારે બાદમાં આવતી કારને પોલીસે રોકવાની કોશીષ કરતા ૨ શખ્સો કાર સાઈડમાં મુકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે ઝડપાયેલ ઈમ્તીયાઝ મલેકને પુછતા આ ફરાર થનાર શખ્સો ઈમ્તીયાઝ બાપજીરાજ મલેક અને દીપક વાસુદેવભાઈ ઠાકોર હોવાનું તથા તેમના કહેવાથી તે દારૂ ભરેલ કારનું પાયલોટીંગ કરતો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે દારૂની ૧૫૩૩ બોટલો, બીયરના ૧૬૦ ટીન, ર કાર અને મોબાઈલ સહિત રૂપીયા ૧૨,૪૯,૬૨૩ની મત્તા સાથે ઈમ્તીયાઝ મલેકની ધરપકડ કરી ત્રણેય સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. ફરાર થનાર ૨ આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.જે.માલવીયા ચલાવી રહ્યા છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
