<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

અમરેલીના ધારીના દેવળા ગામે સીમમાં ખેત મજૂરની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો

ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને ધારીથી અમરેલી હોસ્પિટલ રિફર કરાઈ

અમરેલી જિલ્લામાં વન્યજીવોના વધતા દબદબા અને માનવ વસ્તી તેમજ વાડી વિસ્તારોમાં દીપડાની અવરજવરના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. અમરેલી પંથકમાં અવારનવાર દીપડા દ્વારા માનવ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે તાજેતરમાં ધારી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ધારીના દેવળા ગામની સીમ વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની એક માસૂમ બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધી છે.

 

ધારીના દેવળા ગામની સીમમાં આવેલી વાડી વિસ્તારમાં રહેતા પરિવારની બાળકી નાહતી રહી હતી. તે જ સમયે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ માસૂમ બાળકીને અપશુકનિયાળ નિશાન બનાવી હતી અને તેના પર ખૂંખાર હુમલો કરી દીધો હતો. દીપડાના આચાનક હુમલાથી બાળકી ફંગોળાઈ ગઈ હતી અને તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. દીપડાએ બાળકીના ગળા અને છાતીના ભાગ પર પોતાના તીક્ષ્ણ નખ અને દાંત વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક લાઠી-દંડા લઈને દોડી આવતા દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો.

 

લોહીથી લથપથ થયેલી ગંભીર ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ધોરણે સારવાર માટે ધારીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, બાળકીને ગળા અને છાતીના ભાગે ગંભીર અને ઊંડી ઈજાઓ પહોંચી હોવાથી તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપીને તેને વધુ અને વિશેષ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે. માસૂમ બાળકી પર થયેલા આ ઘાતકી હુમલાથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં રોષ સાથે ભારે ફફડાટ વ્યાપી ગયો છે

(11:10 PM IST)