તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
કોલીથડમાં પિતાની મંજુરીથી પ્રેમી સાથે ગયા બાદ પરત આવી ૧૮ વર્ષની હંસાએ ઝેર પી જીવ દીધો
મુળ દાહોદના મજૂર પરિવારને દિકરીના પ્રેમપ્રકરણની જાણ થતાં છોકરાના પરિવારને બોલાવી બપોરે રાજીખુશીથી સોંપી દીધી હતીઃ પણ રાતે છોકરો પરત મુકી ગયોઃ બાદમાં યુવતિએ પગલું ભર્યુઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૩૧: ગોંડલના કોલીથડ ગામે પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી મુળ દાહોદની અઢાર વર્ષની યુવતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. યુવતિને ગામના જ એક છોકરા સાથે પ્રેમ હોઇ પરિવારને જાણ થઇ જતાં છોકરા અને તેના પરિવારને બોલાવી રાજીખુશીથી તેણીને સાથે લઇ જવા સોંપી દીધી હતી. છોકરો તેને લઇ પણ ગયો હતો. પરંતુ રાતે પરત મુકી ગયો હતો. બીજા દિવસે તેણીએ ઝેર પી લીધુ હતું. સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલના કોલીથડમાં મનિષભાઇની વાડીમાં રહેતાં મુળ દાહોદ ગરબાળાના વિજયભાઇ ભાભોરની દિકરી હંસાબેન (ઉ.વ.૨૦) ૨૮મીએ બપોરે બે વાગ્યે બાજુમાં માસા પ્રકાશભાઇ જ્યાં વાડી વાવે છે ત્યાં ઝેર પી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત રાતે તેણીનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરાઇ હતી. આપઘાત કરનાર હંસાબેન ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેની મોટી બહેન અને નાની બહેન સાસરે છે. હંસાબેનના લગ્ન થયા નહોતાં. તેણીના પિતા જે વાડી વાવે છે તેની બાજુમાં જ તેણીના માસા પ્રકાશભાઇ પણ પરિવાર સાથે રહી વાડી વાવે છે.
પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે હંસાબેનને કોલીથડમાં જ રહેતાં એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. આની જાણ અમને પરિવારજનોને થતાં માથાકુટ ન થાય એ માટે થઇને અમે છોકરાને અને તેના પરિવારજનોને બોલાવ્યા હતાં. દિકરીએ તેની સાથે લગ્ન કરવાની વાત કરતાં તેના પિતાએ રાજીખુશીથી તેણીને સાથે જવા દીધી હતી. જો કે ૨૭મીએ બપોરે છોકરો હંસાબેનને સાથે લઇ ગયો હતો. પણ બાદમાં એ જ દિવસે રાતે તે પરત મારી વાડીએ મુકી ગયો હતો. બીજા દિવસે બપોરે બે વાગ્યા સુધી હંસાબેને ખેતીમાં નીંદામણનું કામ પણ કર્યુ હતું. એ પછી ઝેરી દવા પી લીધી હતી. છોકરો તેને શા માટે મુકી ગયો તેની અમને ખબર નથી. ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
