તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
અમરેલીનું સખી વન સ્ટોપ સેન્ટર બન્યું માનવતાનું લ્લષ્ટાંત
૮ માસની ગર્ભવતી મહિલાને ૩ વર્ષના બાળક સાથે ૪૦ કલાકની જહેમત બાદ રાજસ્થાન પહોંચાડી : પ્રેમલગ્નમાં દગો મળતા બગસરા બસ સ્ટેન્ડમાં ભટકતી મહિલાને રાજસ્થાન પોલીસના સહયોગથી પરિવાર સાથે કરાવ્યું મિલનઃ કેન્દ્ર સંચાલક રત્નાબેન ગોસ્વામી પોતે સાથે ગયા

(અરવિંદ નિમેળ દ્વારા)અમરેલી તા.૨૫: અમરેલી જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર એક વાર ફરી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. બગસરા બસ સ્ટેન્ડમાં છેલ્લા ૧૫ દિવસથી ૩ વર્ષના બાળક સાથે માંગીને પેટ ભરતી અને ૮ માસનો ગર્ભ ધરાવતી એક મહિલાને સેન્ટર દ્વારા ૪૦ કલાકની સતત જહેમત બાદ છેક રાજસ્થાન સ્થિત તેના પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવી છે.
અભયમ ૧૮૧ હેલ્પલાઇન દ્વારા આ પીડિતા મહિલાને અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષભાઈ કણજારીયાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સંચાલક રત્નાબેન ગોસ્વામીએ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે મૂળ રાજસ્થાનની વતની છે. ૭ વર્ષ પહેલા તે પ્રેમી સાથે પરિવારથી વિખૂટી પડી બગસરા ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતી હતી. થોડા સમય પહેલા તેનો પ્રેમી બીજી મહિલાને લઈને નાસી જતા ૩ વર્ષના બાળક અને ૮ માસના ગર્ભ સાથે મહિલા નિરાધાર બની ગઈ હતી. પરિવાર સાથે પણ કોઈ સંપર્ક ન હતો.
કેન્દ્ર સંચાલક રત્નાબેન ગોસ્વામીએ તાત્કાલિક રાજસ્થાન સ્થિત પીડિતાના પરિવારનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી. પીડિતાની માતા અને ભાઈઓની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓએ દીકરીને ઘર સુધી પહોંચાડવા વિનંતી કરી. વિનંતીને માન આપી રત્નાબેન ગોસ્વામી પોતે ગર્ભવતી મહિલા અને ૩ વર્ષના બાળકને લઈને રાજસ્થાન જવા રવાના થયા અને વહેલી સવારે ૪ વાગ્યે ત્યાં પહોંચ્યા.
રાજસ્થાન પહોંચ્યા બાદ પીડિતાના ભાઈનો ફોન બંધ આવતા રત્નાબેને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો. રાજસ્થાન પોલીસના સહયોગથી તેઓ પીડિતાને લઈને તેના ઘર સુધી પહોંચ્યા. ૭ વર્ષ બાદ દીકરીને પરત ફરેલી જોઈને માતા અને ભાઈઓ ભાવવિભોર થઈ ગયા હતા અને સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારીઓ તથા સંચાલકોને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા હતા.
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ 24x7 કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની આ કામગીરીને અધિકારીઓએ બિરદાવી હતી. ગર્ભવતી મહિલાની સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર સંચાલકે પોતે રાજસ્થાન સુધી જઈ કરેલી આ માનવીય કામગીરી કાબિલેદાદ રહી હતી.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
