તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
અમરેલીનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લોઃ 6 દરવાજા ખોલાયા
8થી વધુ ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરતું તંત્ર

અમરેલી: જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદીઓ, ચેકડેમ અને જળાશયોમાં પાણીની જોરદાર આવક થઈ છે. સૌથી મોટી અસર રાજુલાના ધાતરવડી ડેમ-2 પર જોવા મળી છે. જ્યાં ડેમ ઓવરફ્લો થતાં તંત્રને તેના 6 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે ધાતરવડી ડેમ-2 સંપૂર્ણ ભરાઈ ગયો હતો. ડેમમાં પાણીની સતત આવક વધતાં તેના 6 દરવાજા ખોલીને નિયંત્રિત રીતે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડેમમાંથી પાણી છોડાતા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લોઠપૂર અને ઉચેયા સહિત 8થી વધુ ગામોના લોકોને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ગામોમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ ખાંભા તાલુકાનો રાયડી ડેમ પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. જેના કારણે નદી કાંઠે આવેલા નાગેશ્રી, ચૌત્રા અને બારમણ સહિતના ગામોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્રે ગ્રામજનોને નદીના પ્રવાહથી દૂર રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપી છે. સતત વરસાદને કારણે ચેકડેમ, તળાવો અને નદીઓમાં પણ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દરમિયાન રાજુલાનો ધાતરવડી ડેમ-1 પણ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જો આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ડેમમાં વધુ પાણીની આવક થવાની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા તમામ ડેમોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ પાણી છોડવાની તૈયારી રાખવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર પંથકમાં તકેદારી વધારી દેવામાં આવી છે.
હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ સવારના માત્ર બે કલાકમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં આશરે 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 49 તાલુકાઓમાં વરસાદ વરસતા ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
