<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

અમરેલી-વિસાવદર-વેરાવળ બ્રોડગેજ પ્રોજેક્ટની બેઠક: જૂનું રેલ્વે સ્ટેશન યથાવત રાખવા સાંસદ-મંત્રીની રજૂઆત : અન્ડરબ્રિજમાં પાણી ભરાવાના પ્રશ્ને પણ ચર્ચા

સાંસદ ભરતભાઈ સુતરીયા અને મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીમાં સમીક્ષા : DRM સહિત રેલ્વેના અધિકારીઓ ઉપસ્થિત

( અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા.૬ : અમરેલી કલેક્ટર કચેરી ખાતે અમરેલી-વિસાવદર-વેરાવળ બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક સાંસદ ભરતભાઈ સુતરીયા અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી યોજવામાં આવી હતી.

 

બેઠકમાં સૌથી પહેલા અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનને યથાવત રાખવાના મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સાંસદશ્રી અને મંત્રીશ્રીએ સ્પષ્ટ રજૂઆત કરી હતી કે અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનનું ઐતિહાસિક મહત્વ અને શહેરની ઓળખ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે.

 

બેઠકમાં ભાવનગર રેલ્વે ડિવિઝનના DRM સહિત રેલ્વે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્રોડગેજ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, બાકી રહેલા કામો, જમીન સંપાદન, તકનિકી મુદ્દાઓ અને કામગીરીને ઝડપી બનાવવા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

 

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ખેડૂતોના પ્રશ્નો પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા રેલ્વે અન્ડરબ્રિજોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને ખેતર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. આ મુદ્દે સાંસદ ભરતભાઈ સુતરીયા અને મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

 

અધિકારીઓને સૂચના આપવામાં આવી કે અમરેલી શહેરમાં રેલ્વે અન્ડરબ્રિજોમાં પાણી ભરાય તો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. જ્યાં જરૂર હોય ત્યાં પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે અને તેની સત સમીક્ષા કરવામાં આવે, જેથી સ્થાનિકો અને ખેડૂતોને તકલીફ ન પડે.

 

બેઠકમાં બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

 

આ બેઠકમાં રેલ્વે વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:27 PM IST)