<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

જામનગરમાં ચોમાસું લંબાવાની ભીતિ વચ્ચે પીવાના પાણીની કટોકટી ટાળવા લેવાયો મોટો નિર્ણય : ત્રણેય ડેમમાંથી હવે રોજની બદલે કરાશે એકાંતરા વિતરણ

ઉંડ ૧, સસોઈ અને આજી ૩ ડેમમાં માત્ર ૩૧ જુલાઈ સુધીનો જ જથ્થો ઉપલબ્ધ હોવાથી મહાનગરપાલિકા દ્વારા પાણીમાં ૨૦ ટકા કાપ અને નવા જોડાણો આપવા પર મૂકાઈ રોક

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:ચાલુ વર્ષે અલ્ નીનોની પરિસ્થિતિઓ અને તેના કારણે સંભવિત વિલંબિત ચોમાસા અથવા ઓછી માત્રામાં વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરના નાગરિકો માટે પાણી વિતરણ અંગે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ઉનાળાની પરિસ્થિતિ દરમિયાન તેમજ આગામી સમયમાં પાણીની માંગમાં ઊભી થતી કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે પાણી બચાવવા માટેનો ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.

જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળ સ્ત્રોત એવા ઉંડ ૧ ડેમ, સસોઈ ડેમ તથા આજી ૩ ડેમમાં હાલની સ્થિતિએ ફક્ત ૩૧ જુલાઈ સુધી ચાલે તેટલો જ પાણીનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં જામનગર શહેરમાં આવેલા કુલ ૧૨ ઝોન પૈકી ૬ ઝોનમાં દૈનિક ધોરણે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે ડેમોમાં પાણીની મર્યાદિત આવક અને ભવિષ્યની કટોકટીને ધ્યાને રાખીને, જ્યાં સુધી વરસાદ વરસીને નવા પાણીની પૂરતી આવક ન થાય ત્યાં સુધી તમામ ઝોનમાં એકાંતરા દિવસે એટલે કે એક દિવસ છોડીને એક દિવસ પાણી વિતરણ કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એમ ઈ એસ (MES) અને ડિફેન્સને સપ્લાય કરવામાં આવતા પાણીના જથ્થામાં પણ તાત્કાલિક અસરથી ૨૦ ટકાનો કાપ મૂકવાનું નક્કી કરાયું છે.

વરસાદમાં જો વધુ વિલંબ થાય તેવી પરિસ્થિતિ સર્જાય તો પણ શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી સતત મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઉક્ત ત્રણેય ડેમ મળીને કુલ ૫૦૦ એમસીએફટી રો-વોટર (કાચું પાણી) સૌની યોજના મારફત ડેમમાં ઠલવવામાં આવે તેવું મજબૂત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કટોકટીભરી સ્થિતિને પહોંચી વળવા માટે શહેરમાં નવી ડેવલપ થઈ રહેલી સોસાયટીઓમાં અપાતા નવા પાણીના જોડાણો આપવાની કામગીરીને પણ હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચોમાસા દરમિયાન વરસાદ આવ્યા બાદ અને શહેરને પાણી પૂરું પાડતા તમામ ડેમોમાં નવા પાણીની પૂરતી અને સંતોષકારક આવક થયા પછી જ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર રીતે દૈનિક પાણી વિતરણ ફરીથી ચાલુ કરવામાં આવશે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ડેમમાં ઉપલબ્ધ જથ્થામાં મહત્તમ બચત થાય તેવા હેતુસર તમામ ઝોનમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે, જેનું શેડ્યૂલ અને સમય અગાઉના પાણી વિતરણ મુજબનું જ રહેશે. જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર દ્વારા જાહેર જનતાને આ કપરી પરિસ્થિતિમાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવા અને પોતાના રોજિંદા વપરાશમાં પાણીનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરી પાણીની બચત કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.

(9:34 PM IST)