તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ભેંસાણ ર, જુનાગઢ- મેંદરડા, લાઠી- સાવરકુંડલામાં દોઢ ઇંંચ વરસાદ
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ફરી મેઘાવી માહોલ છવાતા ખુશાલીઃ સાર્વત્રિક વરસાદની જરૂર

પ્રથમ તસ્વીરમાં આટકોટ, બીજી તસ્વીરમાં ગોંડલ અને ત્રીજી તસ્વીરમાં ભાવનગરમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ કરશન બામટા (આટકોટ), ભાવેશ ભોજાણી (ગોંડલ), મેઘના વિપુલ હિરાણી (ભાવનગર)
રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ફરી મેઘાવી માહોલ જામતા સાર્વત્રિક વરસાદની આશા બંધાઇ છે. લાંબા સમય પછી અનેક જગ્યાએ હળવો- ભારે વરસાદ વરસ્યો છે. ભેંસાણમાં ર, જુનાગઢ, મેંદરડા, લાઠી, સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. ફરી મેઘાવી માહોલ છવાતા ખુશી છવાઇ ગઇ છે. આજે સવારે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ ભાદરવા મહિનાના બીજા દિવસે એટલે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ સહિત સોરઠમાં અડધાથી ૨ ઇંચ વરસાદ થયા બાદ આજે પણ સવારે ભેસાણમાં વધુ ૨ ઇંચ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે અને મુરઝાતી મોલાતને જીવતદાન મળવાની આશા બંધાઈ છે.
છેલ્લે જૂનાગઢ જિલ્લામાં ગઈ તા. બીજી ઓગસ્ટના રોજ કળપા વરસાવ્યા બાદ મેઘરાજા અલોપ થઈ ગયા હતા અને દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
આ દરમિયાન ભારે વરસાદની ચેતવણી વચ્ચે રવિવારની સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે મેઘરાજા ધીમીધારે વરસવાનું શરૂ કર્યું હતું અને દિવસ દરમિયાન પણ વહાલ વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આજે સવારે પુરા થયેલા ૨૪ કલાક દરમિયાન અડધાથી ૨ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલમાં ગત વહેલી સવારે વરસાદના ઝાપટા વરસ્યા બાદ રાત્રીના આઠ કલાકે ધીમીધારે વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારથી આકાશ ગોરંભાયુ છે અને ઝરમર મેઘવર્ષા શરૂ છે. વાતાવરણમાં ટાઢક ફેલાઇ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં થી લઈ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
છેલ્લા ૨૪ કલાકના વરસાદ સાથે ભાવનગર જિલ્લાનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૨૦ મીમી (આશરે ૨૦.૫ ઇંચ) એ પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ કુલ વરસાદ મહુવા તાલુકામાં ૭૧૧ મીમી નોંધાયો છે, જે સમગ્ર જિલ્લામાં મોખરે છે. આ સિવાય શિહોરમાં ૬૦૫ મીમી અને ઘોઘામાં ૫૭૨ મીમી કુલ વરસાદ થયો છે. જ્યારે સૌથી ઓછો કુલ વરસાદ તળાજા (૪૦૧ મીમી) અને જેસર (૪૨૪ મીમી) તાલુકામાં નોંધાયો છે.
વરસાદના પગલે વાતાવરણમાં ભેજ અને ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે, જ્યારે પાછોતરા વરસાદથી ખેતીના પાકોને મોટો ફાયદો થવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ વરસાદી માહોલ જામ્યો હતો આટકોટ જંગવડ પાંચવડા જીવાપર સાણથલી બળધોઈ સહિત વિસ્તારમાં વરસાદ મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યું સવારથી હળવા ભારે ઝાપટાં વરસી રહ્યા છે કપાસ મગફળી પાકને જીવતદાન મળ્યું ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડુતો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ રોડ રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા અંદાજે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
જુનાગઢ
માણાવદર ૩ મી. મી.
વંથલી ૯ મી. મી.
જુનાગઢ ૩ર મી. મી.
ભેંસાણ પર મી. મી.
વિસાવદર ર૪ મી. મી.
મેંદરડા ૩૧ મી. મી.
કેશોદ ૧૩ મી. મી.
માંગરોળ ૧૮ મી. મી.
માળીયાહાટીના ૧૦ મી. મી.
અમરેલી
કુંકાવાવ-વડીયા ૪ર મી. મી.
બાબરા ર૪ મી. મી.
લાઠી ૩૮ મી. મી.
અમરેલી ૩૧ મી. મી.
બગસરા ૧પ મી. મી.
ધારી ૬ મી. મી.
સાવરકુંડલા ૩૯ મી. મી.
ખાંભા ૮ મી. મી.
જાફરાબાદ ૧૦ મી. મી.
રાજૂલા ૮ મી. મી.
ભાવનગર
વલ્લભીપુર ૧૮ મી. મી.
ઉમરાળા ૭ મી. મી.
ભાવનગર ૧૪ મી. મી.
ઘોઘા ર૭ મી. મી.
શિહોર ર૦ મી. મી.
ગારીયાધાર ૧૯ મી. મી.
પાલીતાણા ર૭ મી. મી.
તળાજા ર૪ મી. મી.
મહુવા ૧૯ મી. મી.
જેશર રર મી. મી.
જામનગર
જોડિયા ૬ મી. મી.
ધ્રોલ ૧૯ મી. મી.
કાલાવડ ૧૧ મી. મી.
જામજોધપુર ૭ મી. મી.
જામનગર ર મી. મી.
ગીર સોમનાથ
ગીરગઢડા ર મી. મી.
તાલાલા ૧૩ મી. મી.
પાટટણ-વેરાવળ ૪ મી. મી.
સુત્રાપાડા પ મી. મી.
ઉના ર મી. મી.
દેવભૂમિ દ્વારકા
ઓખા મંડલ ર મી. મી.
ભાણવડ ર મી. મી
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
