તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
કચ્છમાં અછતની પરિસ્થિતિ વચ્ચે ગૌવંશના નિભાવ માટે ઉદ્યોગોને CSR ફંડ ફાળવવાની અપીલ
અપૂરતા વરસાદથી ઘાસચારાના ભાવમાં અસહ્ય વધારો : શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા પાંજરાપોળ અને ગૌશાળાઓને આર્થિક મદદ કરી ગૌ રક્ષાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા ઉદ્યોગગૃહોને અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે કચ્છમાં ગૌસેવા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સામે ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. લીલા અને સૂકા ચારાના ભાવમાં ભારે વધારો થતાં ગૌશાળાઓ માટે પશુધનનો નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કચ્છમાં કાર્યરત ઉદ્યોગગૃહો પોતાના CSR ફંડમાંથી ગૌશાળાઓ અને પશુ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને સહાય ફાળવે તેવી અપીલ શ્રી અજરામર ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત પહેલાં જ ઊંચા ભાવ ચૂકવવા છતાં પૂરતો ઘાસચારો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે આગામી ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની ચિંતા ગૌસેવકો અને ગૌશાળા સંચાલકોને સતાવી રહી છે. આવા કપરા સમયમાં ઉદ્યોગગૃહો ઘાસચારા ઉપરાંત પશુઓના નિભાવ માટે જરૂરી સાધનો અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં સહયોગ આપે તે જરૂરી છે.
ભૂકંપ બાદ કચ્છમાં સ્થાપિત થયેલા અને અહીંથી વ્યવસાયિક પ્રગતિ કરનારા ઉદ્યોગગૃહો હવે ગૌવંશના સંરક્ષણ અને જીવદયા પ્રવૃત્તિઓમાં પણ આગળ આવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે. અનેક ઉદ્યોગો વિવિધ સામાજિક કાર્યોમાં અનુદાન આપીને સમાજના ઉત્થાનમાં યોગદાન આપી રહ્યા છે. તેવી જ રીતે વર્તમાન અછતની પરિસ્થિતિમાં પશુધનના રક્ષણ માટે પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. કચ્છ વિસ્તારની દૃષ્ટિએ રાજ્યનો વિશાળ જિલ્લો છે અને અહીં પશુધનની સંખ્યા પણ નોંધપાત્ર છે. અનેક સેવાભાવી સંસ્થાઓ મર્યાદિત સંસાધનો અને મુશ્કેલીઓ વચ્ચે ગૌવંશની સેવા કરી રહી છે. અગાઉ દેશ-વિદેશમાં વસતા કચ્છીઓ તરફથી મળતા દાનથી આવી સંસ્થાઓને મોટો સહારો મળતો હતો, પરંતુ વિવિધ કારણોસર વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં મંદી આવતાં દાનનો પ્રવાહ ઘટ્યો છે. પરિણામે જીવદયા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ માટે સેવાકાર્યો ચાલુ રાખવા પડકારજનક બન્યું છે. આ સંજોગોમાં કચ્છના સાંસદ, ધારાસભ્યો, રાજકીય પદાધિકારીઓ, ચેમ્બર ઑફ કોમર્સ તથા વેપારી સંગઠનો ઉદ્યોગગૃહોને આ દિશામાં પ્રેરિત કરે અને ગૌસેવા માટે CSR ફંડની ફાળવણી અંગે જાગૃતિ લાવે તેવી અપીલ સેવાભાવીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઉદ્યોગો અને સમાજ સાથે મળીને પ્રયાસ કરે તો અછતના સમયમાં ગૌવંશનું રક્ષણ કરી અનેક અબોલ જીવોને રાહત પહોંચાડી શકાય તેમ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
