<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

લોધીકાના રાતૈયામા પીવાના પાણીના બોરમાં કેમિકલયુક્‍ત પાણી ભળ્‍યાનો આક્ષેપ

મેટોડા જીઆઇડીસીનું દૂષિત પાણી જમીન અને સુવાંગ ડેમ સુધી પહોંચતું હોવાની ફરિયાદઃ વર્ષોની રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં આવ્‍યાનો સરપંચનો દાવો

 

 

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા .૧૬: લોધિકા તાલુકાના રાતૈયા, મેટોડા અને વડવાજડી ગામના સીમ વિસ્‍તારમાં મેટોડા જીઆઇડીસીમાંથી દૂષિત અને કેમિકલયુક્‍ત પાણી છોડવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્‍યો છે. આ સમસ્‍યાને કારણે સ્‍થાનિક ખેડૂતો અને ગ્રામજનો વર્ષોથી મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવાયું છે.

સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર, ઔદ્યોગિક એકમોમાંથી છોડાતું કેમિકલયુક્‍ત પાણી જમીનમાં ઊતરવાથી વાડી-ખેતરોના બોરનું પાણી દૂષિત થઈ રહ્યું છે. પરિણામે સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા બગડી છે અને ખેતીની જમીન તથા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.

આ દૂષિત પાણી સુવાંગ ડેમમાં પણ ભળી રહ્યું હોવાનો સ્‍થાનિકોએ દાવો કર્યો છે. જો આ અંગે તાત્‍કાલિક તપાસ અને નિયંત્રણ કરવામાં નહીં આવે તો જળાશય, આસપાસનું પર્યાવરણ તેમજ પશુ-પંખીઓ માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે તેવી ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

અત્‍યાર સુધી આ સમસ્‍યાની અસર મુખ્‍યત્‍વે ખેતી અને સિંચાઈના પાણી પર જોવા મળતી હતી. હવે કેમિકલયુક્‍ત પાણી રાતૈયા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા પીવાના પાણીના મુખ્‍ય બોર સુધી પહોંચી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. બોરનું પાણી દૂષિત થતાં ગામમાં શુદ્ધ પીવાના પાણીની ગંભીર સમસ્‍યા ઊભી થવાની આશંકા છે.

રાતૈયા ગ્રામ પંચાયતના સરપંચ મહાવીરસિંહ જાડેજાના જણાવ્‍યા અનુસાર, આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ઉચ્‍ચ અધિકારીઓ અને રાજ્‍ય સરકાર સમક્ષ વર્ષોથી અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં આજદિન સુધી સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્‍યો નથી.

ગ્રામજનો અને ખેડૂતોએ જવાબદાર ઔદ્યોગિક એકમોની તપાસ કરવા, દૂષિત પાણીનો નિકાલ તાત્‍કાલિક બંધ કરાવવા તેમજ પીવાના પાણીના બોર, ખેતરોના બોર અને સુવાંગ ડેમમાંથી નમૂના લઈને પ્રમાણિત લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવાની માંગ કરી છે.

સમગ્ર મામલે GPCB અને સંબંધિત તંત્રની સત્તાવાર તપાસ તથા પાણીના લેબોરેટરી રિપોર્ટ બાદ દૂષણનું ચોક્કસ કારણ અને તેની ગંભીરતા સ્‍પષ્ટ થઈ શકશે.(

(11:40 AM IST)