<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS 'શલ્યતંત્ર' વિષયનું પેપર લીક થયાના આક્ષેપોથી ખળભળાટ : વાઇસ ચાન્સેલર નરેશ જૈન દ્વારા તપાસના આદેશ : જુઓ વિડીયો

ત્રણ અધિકારીઓની કમિટી દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ : કસૂરવાર સામે આકરી શિક્ષાત્મક કારવાઈ, દંડ અને એફઆઈઆર દાખલ કરવા સુધીના કડક પગલાં લેવાશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પરીક્ષાની પવિત્રતા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ગત ૨૦ તારીખે લેવાયેલી "શલ્યતંત્ર" વિષયની પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આક્ષેપો સામે આવતાં જ આયુર્વેદિક શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ગંભીર મામલાની તાકીદે નોંધ લઈને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ જૈન ભાઈ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

 

 ૨૬ કેન્દ્રોના ૨૦૦૦ વિદ્યાર્થીઓની પરીક્ષા પર સવાલ, ૩ અધિકારીઓની કમિટી રચાઈ:

આ મામલે વાઇસ ચાન્સેલર નરેશ જૈન ભાઈએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ પરીક્ષા રાજ્યભરના કુલ ૨૬ કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં અંદાજે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. પેપર લીક થવાના આક્ષેપો સામે આવ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ કરવા માટે યુનિવર્સિટીના ત્રણ ઉચ્ચ અધિકારીઓની એક ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે હાલ દરેક પાસાંની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

 

 ૫ અલગ-અલગ શિક્ષકોએ તૈયાર કર્યું હતું પેપર:

નવા અભ્યાસક્રમ આધારિત આ મહત્વપૂર્ણ પરીક્ષા માટે પેપર સેટ કરવાની જવાબદારી ૫ અલગ-અલગ તજજ્ઞ શિક્ષકોને સોંપવામાં આવી હતી. આટલી ગોપનીયતા વચ્ચે પણ પેપર ક્યાંથી અને કયા સ્તરેથી લીક થયું તે હાલ તપાસનો મુખ્ય વિષય બન્યો છે.

 

 કસૂરવારો સામે એફઆઈઆર સહિતની આકરી કાર્યવાહીની ચેતવણી:

વાઇસ ચાન્સેલરે વધુમાં ઉમેર્યું હતું કે, તપાસ કમિટીનો અહેવાલ આવ્યા બાદ જે પણ વ્યક્તિ કે અધિકારી કસૂરવાર સાબિત થશે તેની સામે યુનિવર્સિટીના કડક નિયમો મુજબ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. દોષિતો સામે ભારે આર્થિક દંડ ફટકારવામાં આવશે અને જરૂર જણાશે તો ફોજદારી ગુનો નોંધીને એફઆઈઆર (FIR) પણ દાખલ કરવામાં આવશે. યુનિવર્સિટી પ્રશાસનના આ આકરા વલણથી ગેરરીતિ આચરનારા તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. (વિડીયો - કિંજલ કારસરિયા, જામનગર)

(11:07 PM IST)