તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ
વાડી માલિકના પુત્ર નિલેશ ભીખુભાઈ ડાંગરના બે દિવસના રિમાન્ડ મંજૂરઃ સગીરાએ દવા પી લેતાં પ્રકરણ બહાર આવ્યું

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા.૩૦: પંથકમાં વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાના આક્ષેપના પ્રકરણમાં પોલીસે વાડી માલિકના પુત્ર નિલેશ ભીખુભાઈ ડાંગરની ધરપકડ કરી છે. આરોપીને અદાલતમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાડીમાં રહેતા શ્રમિક પરિવારની સગીરા જે સ્થળે નાહવા જતી હતી ત્યાં આરોપી પહોંચી ગયો હતો. આ દરમિયાન આરોપીએ તકનો લાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ બાદ સગીરાએ દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સગીરાની તબિયતને લગતી આ ઘટનાના પગલે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.
આ અંગે સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધાયાના આશરે છ કલાકમાં જ આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ વધુ તપાસ માટે તેને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જે મંજૂર થતાં આરોપીની પૂછપરછ અને બનાવના સ્થળની તપાસ સહિતની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
આરોપી નિલેશ ભીખુભાઈ ડાંગર આશરે ૨૮ વર્ષનો અને પરિણીત હોવાની વિગતો સામે આવી છે. તેને બે સંતાનો પણ છે. બીજી તરફ, ભોગ બનનાર સગીરાની તબીબી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. શેખ સમગ્ર પ્રકરણની વધુ તપાસ ચલાવી રહ્યા છે
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
