News of Sunday, 10th May 2026
સોમનાથના આકાશમાં વાયુસેનાનો ‘શૌર્યાભિષેક’: ૧૧મીએ સૂર્યકિરણ ટીમનો દિલધડક એર-શો
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: ધર્મભક્તિ, દેશભક્તિ અને સૈન્યશક્તિનો ત્રિવેણી સંગમ; ચેતક હેલિકોપ્ટર મંદિર પર પુષ્પવર્ષા કરશે

વેરાવળ : સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે યોજાઈ રહેલા ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ અંતર્ગત આવતીકાલે ૧૧ મેના રોજ સોમનાથના આકાશમાં ભારતીય વાયુસેનાનું અપ્રતિમ કૌશલ્ય જોવા મળશે. વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા સવારે ૧૧:૦૦ કલાકે એક ભવ્ય એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે યોજાયેલા રિહર્સલમાં જ વાયુસેનાના પાયલટોએ આકાશમાં એવા દિલધડક કરતબો બતાવ્યા હતા કે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
૧૫ મિનિટ સુધી રોમાંચક કરતબો
સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમીત શર્માના જણાવ્યા અનુસાર, લાલ અને સફેદ રંગના ‘હોક એમ.કે.-૧૩૨’ જેટ વિમાનો આકાશમાં સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન રજૂ કરશે. અંદાજે ૧૫ મિનિટ સુધી ચાલનારા આ શોમાં પાયલટો માત્ર ૫ મીટરના અંતરે વિમાનો ઉડાડીને અદભૂત શિસ્ત અને સમન્વયનું પ્રદર્શન કરશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડીને આ ટીમ માત્ર ૧૮ મિનિટમાં ૧૮૨ કિમીનું અંતર કાપી સોમનાથ પહોંચશે.
આકાશમાં રચાશે ત્રિરંગો
આ એર-શોનું મુખ્ય આકર્ષણ સ્વદેશી ટેકનોલોજીથી બનેલા સ્મોક પોડ્સ રહેશે. નાસિકના બેઝ રિપેર ડેપો દ્વારા વિકસિત આ ટેકનોલોજીની મદદથી ફાઈટર જેટ્સ આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ધુમાડો છોડીને ભારતીય ત્રિરંગાની ભવ્ય પ્રતિકૃતિ બનાવશે.
ટીમ લીડર: ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં ૧૩ પાયલટોની ટીમ.
સુરક્ષા કવચ: ગ્રાઉન્ડ પર ૨૫ થી ૩૦ એર વોરિયર્સ તૈનાત રહેશે.
*વૈશ્વિક ઓળખ: ૧૯૯૬માં સ્થાપિત આ ટીમે વિદેશોમાં પણ ભારતનું ગૌરવ વધાર્યું છે.
ચેતક હેલિકોપ્ટરથી સોમનાથ મહાદેવ પર થશે પુષ્પવર્ષા
‘અમૃતપર્વ’ના પાવન પ્રસંગે જામનગર એરફોર્સ સ્ટેશનનું ચેતક હેલિકોપ્ટર પવિત્ર જ્યોતિર્લિંગ પર પુષ્પવર્ષા કરીને શ્રદ્ધા અને શૌર્યનો અનોખો સંગમ રચશે. આ એ જ યુનિટ છે જેણે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પવર્ષા કરી હતી. આ હેલિકોપ્ટર યુનિટ પૂર અને હોનારત જેવી આપત્તિઓમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ કામગીરી માટે પણ જાણીતું છે. ગઈકાલે અને આજે આ પુષ્પવર્ષાનું સફળ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
