<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જિલ્લા વહીવટી તંત્રએ EVM દ્વારા મતદાનનો માર્ગદર્શક વિડીયો જાહેર કર્યો : જુઓ વિડીયો

ચાર મત આપવાની પ્રક્રિયા અને નોટા વિકલ્પ અંગે સરળ ભાષામાં સમજૂતી: મતદારોને નિર્ભયતાથી મતદાન કરવા અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૦ : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે ઈલેક્ટ્રોનિક મતદાન મશીનના ઉપયોગ અંગે માર્ગદર્શક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મતદાન પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવવામાં આવી છે, જેથી દરેક મતદાર નિર્ભય અને યોગ્ય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

 

વિડિયોમાં સમજાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારે કુલ ચાર મત આપવાના રહે છે. મતદાન કેન્દ્ર પર પહોંચ્યા બાદ મતદારે મતદાન અધિકારી પાસેથી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ઈ.વી.એમ. મશીન સામે જઈ, પોતાના પસંદના ઉમેદવાર સામે દર્શાવેલા બટન દબાવવાનું રહે છે. દરેક મત માટે અલગ-અલગ પેનલમાં બટન આપવામાં આવેલ હોય છે, જેમાંથી મતદારે પોતાના પસંદના ઉમેદવારને મત આપવો રહે છે.

 

દરેક વખત યોગ્ય બટન દબાવ્યા બાદ મશીનમાંથી બીપ અવાજ સાથે લીલી લાઈટ પ્રગટે છે, જે મત નોંધાઈ જવાનો સંકેત આપે છે. આ પ્રક્રિયા ચારેય મત માટે પુનરાવર્તિત કરવાની રહે છે. અંતમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં મતદારનો મત સિસ્ટમમાં નોંધાઈ જાય છે.

 

વિડિયોમાં નોટા વિકલ્પ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે. જો મતદાર કોઈપણ ઉમેદવારને પસંદ ન કરતો હોય, તો તે નોટા બટન દબાવી શકે છે, જેના દ્વારા તે પોતાની અસંતોષની અભિવ્યક્તિ કરી શકે છે.

 

જિલ્લા વહીવટી તંત્રએ મતદારોને અપીલ કરી છે કે તેઓ વીડિયો દ્વારા આપવામાં આવેલી માહિતીનો લાભ લઈ, મતદાનના દિવસે યોગ્ય રીતે અને નિર્ભયતાપૂર્વક મતદાન કરે. વધુમાં, કોઈ પણ ગેરસમજ ટાળવા માટે મતદારોને મતદાન પહેલા આ માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક જોવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રકારની પહેલ દ્વારા મતદારોમાં જાગૃતિ વધારવાની સાથે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

(3:42 PM IST)