તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
મેઘમહેર બાદ અમરેલીના દેવભૂમિ દેવળિયામાં છલકાયા જળાશયો: જળ વધામણા કરવા ટ્રેક્ટરમાં સવાર થઈને પહોંચ્યા મંત્રી કૌશિક વેકરિયા, ગ્રામીણ અને પ્રવાસન ક્ષેત્ર માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ
ચોમાસામાં ચેકડેમ અને તળાવો ભરાતા ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસનો માહોલ; ઉનાળામાં ઊંડા કરાયેલા ૧૧૫થી વધુ તળાવો આશીર્વાદરૂપ સાબિત થયા, પૌરાણિક મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રવાસન વિકાસ માટે રૂ. ૩.૨૧ કરોડની માતબર રકમ મંજૂર કરાઈ

અમરેલી: સૌરાષ્ટ્ર પંથકમાં ચાલુ વર્ષે મેઘરાજાની અપાર કૃપા વરસતા જળસંકટના કાયમી નિવારણ તરફ આગળ વધી રહેલા અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે. ચાલુ ચોમાસાની સિઝનના પ્રારંભિક તબક્કામાં જ થયેલા સારા વરસાદને પગલે જિલ્લાના જળાશયો, ચેકડેમો અને તળાવો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે, જેના કારણે જગતના તાતમાં એક નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. આ જળક્રાંતિના હર્ષોલ્લાસ વચ્ચે અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામ ખાતે એક વિશિષ્ટ અને પરંપરાગત જળ વધામણાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દેવભૂમિ દેવળિયા ગામમાં આવેલા મુખ્ય તળાવમાં નવા નીરની ધિંગી આવક થતાં સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી કોઈપણ વીઆઈપી પ્રોટોકોલ વિના સામાન્ય ગ્રામજનની જેમ જ સ્થાનિક ખેડૂતો અને સરપંચ સાથે ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર થઈને વાજતે-ગાજતે તળાવની પાળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઉપસ્થિત જનમેદની સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવા નીરના જળ વધામણા કરી કુદરતનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ, પંચાયતના પ્રતિનિધિઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગ્રામજનોને સંબોધન કરતા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન વર્ષના ઉનાળા દરમિયાન રાજ્ય સરકારના વિશેષ સહયોગ અને આયોજનબદ્ધ કામગીરી હેઠળ અમરેલી વિધાનસભા મતવિસ્તારમાં જળ સંચય અભિયાન વેગીલું બનાવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આ પંથકમાં ૧૧૫થી વધુ તળાવોને બે-બે હિટાચી મશીનોની મદદથી ઊંડા ઉતારવાની પ્રશંસનીય કામગીરી હાથ ધરાઈ હતી. ઉનાળાની એ કાળઝાળ ગરમીમાં કરાયેલી મહેનત આજે ચોમાસામાં રંગ લાવી છે. માત્ર દેવભૂમિ દેવળિયા ગામની જ વાત કરીએ તો, અહીંના ૨ મોટા તળાવો તેમજ ૧૩થી વધુ નાના-મોટા ચેકડેમો અત્યારે પાણીથી સબલક ભરાઈ ચૂક્યા છે, જેનો સીધો ફાયદો આગામી રવિ અને ઉનાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈના રૂપમાં મળશે. આ ઉપરાંત પંથકના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાથી કૂવા અને બોર રિચાર્જ થશે, જે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યાનો પણ કાયમી અંત લાવશે.
જળ વધામણાના આ પાવન અવસરે મંત્રીએ દેવભૂમિ દેવળિયા ગામના વિકાસ માટે એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે ગામમાં આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહાદેવ મંદિરના પર્યટન ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ કરોડ ૨૧ લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ ભંડોળમાંથી મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર, શ્રદ્ધાળુઓ માટે પાયાની સુવિધાઓ, લાઈટિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની પ્રવાસનલક્ષી કામગીરીઓ ઝડપથી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ પૌરાણિક મહાદેવ મંદિર ગુજરાતના ધાર્મિક પ્રવાસનના નકશા પર ગૌરવવંતું સ્થાન મેળવશે, જેના કારણે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે અને ગ્રામીણ અર્થતંત્રને એક નવી ઊંચાઈ મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
