News of Friday, 26th June 2026
લોકસાહિત્યકાર હકાભા ગઢવી બાદ હવે જાણીતા સિંગર દેવ પગલી ખુલ્લેઆમ ખેડૂતોના સમર્થનમાં
ખેડૂત માત્ર ખેતરમાં પાક ઉગાડતો વ્યક્તિ નથી, પરંતુ સમગ્ર સમાજના જીવનચક્રને ચલાવતો મુખ્ય આધારસ્તંભ છે

મોરબીના જેતપર ગામમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે હવે કલા જગતમાંથી મોટા સમર્થનના સમાચાર સામે આવ્યા છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવી બાદ હવે ગુજરાતના જાણીતા સિંગર અને રોકસ્ટાર દેવ પગલી પણ ખુલ્લેઆમ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવનાર હકાભા ગઢવીનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે અને તેઓ વ્યક્તિગત રીતે ખેડૂતોની પડખે ઊભા છે.
લોકગાયક દેવ પગલીએ પોતાના નિવેદનમાં ખેડૂતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, "હું પોતે એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને તેથી ખેડૂતની મહેનત, સંઘર્ષ અને તેના જીવનના પડકારોને ખૂબ નજીકથી સમજું છું." તેમના મતે ખેડૂત માત્ર ખેતરમાં પાક ઉગાડતો વ્યક્તિ નથી, પરંતુ સમગ્ર સમાજના જીવનચક્રને ચલાવતો મુખ્ય આધારસ્તંભ છે.
તેમણે ઉમેર્યું કે ટાઢ, તડકો કે વરસાદ જોયા વગર દિવસ-રાત કાળી મજૂરી કરતા જગતના તાતને સમાજ અને સરકાર બંને તરફથી યોગ્ય સહયોગ અને ન્યાય મળવો જ જોઈએ. જો દેશનો ખેડૂત આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનશે, તો જ દેશ સાચા અર્થમાં પ્રગતિ કરી શકશે. તેમણે લોકોને પણ અપીલ કરી કે ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવનારા કલાકારોને સમર્થન આપવું જોઈએ.
મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતો પોતાની ખેતીલાયક જમીનમાંથી પસાર થતી વીજ લાઇન સંબંધિત વિવિધ પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી વહીવટીતંત્ર સામે લડી રહ્યા છે. સ્થાનિક સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનનો વ્યાપ ધીમે-ધીમે વધી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ ખેડૂતોના સમર્થનમાં ઝુંબેશ શરૂ થઈ છે.
ખેડૂતોના આ આંદોલનને વેગ આપવા અને તેમના મનોબળને મજબૂત કરવા માટે ૨૧ જૂનના રોજ લોકકલાકાર હકાભા ગઢવી આગળ આવ્યા હતા. આંદોલનના ચોથા દિવસે જેતપર ગામની ઉપવાસ છાવણી ખાતે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ વાત એ છે કે, હકાભા ગઢવીએ ખેડૂતોની વેદના સમજીને આ ડાયરા માટે એક પણ રૂપિયો ફી લીધા વિના મફતમાં પ્રસ્તુતિ આપી હતી.
આ દેશી ડાયરામાં મોરબી અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ હાજર રહ્યા હતા. ડાયરાના માધ્યમથી સામાજિક એકતા અને કલાકારોની જવાબદારીનો મોટો સંદેશ આપવામાં આવ્યો હતો. હકાભાના આ પ્રશંસનીય કદમ બાદ હવે દેવ પગલી જેવા આધુનિક રોકસ્ટાર ગાયકે પણ સમર્થન આપતા આ મુદ્દો હવે સમગ્ર ગુજરાતના મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
