<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

સાવરકુંડલામા કોંગ્રેસને ટેકો જાહેર કર્યા બાદ પાલા-કેબિન વાળાઓએ ધંધા ચાલુ કર્યા : 'ધમકી'ની ચર્ચાએ જોર પકડ્યું

આગેવાન નવીનભાઈ ગોળવાળાનો જાહેરમાં દાવો - 'મને ધમકી મળી છે': ૩૦-૪-૨૦૨૬ સુધી પાલા હટાવવાનું લેખિત આપ્યું હોવાનો પણ વિવાદ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.,૨૫ :  સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી પહેલા પાલા-કેબિન ધારકોએ કોંગ્રેસને જાહેર ટેકો આપી ૫ દિવસ ધંધા બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ માત્ર ૨ દિવસ બાદ જ પાલા ફરી શરૂ થઈ જતા રાજકારણ ગરમાયું છે. આગેવાન નવીનભાઈ ગોળવાળાએ જાહેર સભામાં ધમકી મળી હોવાનો દાવો કરતા મામલો વધુ ગૂંચવાયો છે.

સાવરકુંડલામાં રિવર ફ્રન્ટ બનાવવાના પ્રોજેકટમાં પાલા-કેબિન નડતરરૂપ હોવાથી છેલ્લા ૨૧ વર્ષથી કાનૂની લડત ચાલી રહી હતી. કોર્ટના આદેશ બાદ પાલા ધારકોને પાલા હટાવવા જણાવાયું હતું. આ નિર્ણયથી નારાજ પાલા ધારકોનો ભાજપ સામે રોષ હતો. નગરપાલિકા ચૂંટણીના મતદાનને ૫ દિવસ બાકી હતા ત્યારે પાલા-કેબિન એસોસિએશનના આગેવાન નવીનભાઈ ગોળવાળાએ જાહેરાત કરી કે અમે બપોર પછી પાલા-કેબિન બંધ રાખી કોંગ્રેસના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરીશું અને કોંગ્રેસને જીતાડીશું. જાહેરાત મુજબ ૫ દિવસને બદલે પાલા-કેબિન વાળાઓ માત્ર ૨ દિવસ જ ધંધા બંધ રાખી પ્રચારમાં જોડાયા. શુક્રવારથી પાલા ફરી ચાલુ થઈ ગયા અને કોંગ્રેસના પ્રચારમાંથી પણ તેઓ ખસી ગયા.

નવીનભાઈ ગોળવાળાએ વોર્ડ નં. ૯ની જાહેર મીટિંગમાં હજારોની મેદની વચ્ચે જણાવ્યું કે, મેં પાલા બંધ રાખી કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કર્યો એટલે મને ધમકી મળી છે. જોકે તેમણે ધમકી આપનારનું નામ જાહેર કર્યું ન હતું. સ્થાનિક ચર્ચા મુજબ, ધમકીના આ દાવા પછી તરત બીજા દિવસથી પાલા-કેબિન ચાલુ થઈ ગયા અને કોંગ્રેસનો પ્રચાર પણ બંધ થઈ ગયો, જેના કારણે ધમકીની અસરહોવાની અટકળો તેજ બની છે.

બીજી તરફ, પાલા વર્તુળોમાંથી એવી માહિતી પણ મળી છે કે નવીનભાઈ ગોળવાળાએ લેખિતમાં આપ્યું છે કે ૩૦-૪-૨૦૨૬ના રોજ અમે પાલા હટાવી લઈશું. પાલા ધારકોનો આક્ષેપ છે કે આ લેખિત બાંહેધરી આપતી વખતે અન્ય પાલા ધારકોને વિશ્વાસમાં લેવાયા ન હતા. એક તરફ ૩૦-૪-૨૦૨૬ સુધી પાલા હટાવવાનું લેખિત, બીજી તરફ કોંગ્રેસને ખુલ્લો ટેકો અને પછી અચાનક ટેકો પાછો ખેંચી લેવો, વળી ધમકીનો દાવો - આ ત્રણેય બાબતોને લઈને સાવરકુંડલામાં લોકો અવઢવમાં છે. હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની કે ધમકી અંગે સત્તાવાર પુષ્ટિ થયાની માહિતી સામે આવી નથી. સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.

(1:54 PM IST)