<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ધોરાજી પંથકમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ચોમાસાના પ્રારંભ સાથે જ આભમાંથી સવા ઈંચ પાણી વરસ્યું

ગેલેક્સી ચોક, અવેડા ચોક અને સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા : ભારે અસહ્ય બફારા અને ગરમી બાદ વાતાવરણમાં પ્રસરતી ઠંડકથી લોકોમાં આંશિક રાહત : આગોતરા વાવેતરને મોટો ફાયદો થતાં ધરતીપુત્રો ખુશખુશાલ

કિશોર રાઠોડ દ્વારક, ધોરાજી,  : ધોરાજી પંથકમાં છેલ્લા ઘણા સમયથી અનુભવાઈ રહેલા ભારે ઉકળાટ અને અસહ્ય બફાદાર વાતાવરણ બાદ આખરે મેઘરાજાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી પંથકમાં જોવા મળી છે. ધોરાજી અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાના પ્રારંભની સાથે જ ધોધમાર સવા ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં આનંદની હેલી વ્યાપી ગઈ છે.

 

વહેલી સવારે ઝરમર બાદ બપોરે મુશળધાર વરસાદ શરૂ થયો:

વરસાદની વિગતવાર વિગતો મુજબ, આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારની એ એન્ટ્રી બાદ વાતાવરણ વધુ ધૂંધળું બન્યું હતું અને બપોરે ૧:૦૦ વાગ્યે મેઘરાજાએ પોતાનું અસલી જોર બતાવવાનું શરૂ કર્યું હતું. બપોર પછી ગાજવીજ અને તીવ્ર ધારે વરસાદ તૂટી પડતાં જોતજોતામાં સવા ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. આ પ્રથમ વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે ધોરાજીના નીચાણવાળા તેમજ મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ હતી.

 

શહેરના મુખ્ય ચોક અને રાજમાર્ગો પાણી-પાણી થયા:

ધોરાજી શહેરમાં બપોર બાદ શરૂ થયેલા અવિરત વરસાદને કારણે શહેરના મુખ્ય વ્યાપારી અને રહેણાંક વિસ્તારો જેવા કે ગેલેક્સી ચોક, અવેડા ચોક, સ્ટેશન રોડ, જેતપુર રોડ, સરદાર ચોક, જમનાવડ રોડ અને પોસ્ટઓફિસ ચોક સહિતના તમામ વિસ્તારોમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયના વિરામ અને અસહ્ય ગરમીના દિવસો બાદ પડtarget વરસાદને કારણે ધોરાજીના તમામ મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા, જેને પગલે વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી પરંતુ લોકોએ આ વરસાદી માહોલનો ભારે આનંદ માણ્યો હતો.

 

ગરમીથી આશિક રાહત અને ખેડૂતોના આગોતરા વાવેતરને સંજીવની મળી:

પંથકમાં ચોમાસાની આ ધમાકેદાર એન્ટ્રી થતાં જ સ્થાનિક ધરતીપુત્રોમાં ખુશીનો પાર રહ્યો નથી. ધોરાજી પંથકના જે ખેડૂતોએ ચોમાસા પૂર્વે આગોતરા પાકનું વાવેતર કરી દીધું હતું, તે તમામ ખેડૂતો માટે આ સવા ઇંચ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. આ પ્રથમ વરસાદથી ઊભા પાકને મોટો ફાયદો થશે અને કૃષિ ક્ષેત્રે નવી સંજીવની મળશે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક દિવસોથી ચામડી ફાડી નાખતી ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત બનેલા સ્થાનિક નાગરિકોને વાતાવરણમાં અચાનક ઠંડક પસરવાના કારણે ગરમીના પ્રકોપમાંથી મોટી આશિક રાહત મળી હતી.

(6:34 PM IST)