<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

આઠ-દસ દિવસના વિરામ બાદ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: રાત્રે ધોધમાર અડધો ઈંચ વરસાદથી ખેડૂતો અને શહેરીજનોમાં ખુશી

રાત્રે 11:30 વાગ્યે પડેલા વરસાદથી ઉકળાટમાં રાહત, મહુવા શહેર સાથે આજુબાજુના ગામોમાં પણ વરસાદ પડ્યો : ઉભા પાકને જીવતદાન મળ્યું

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૧૫ : છેલ્લા આઠ-દસ દિવસથી વરસાદના વિરામથી ત્રસ્ત બનેલા મહુવા પંથકમાં આખરે મેઘરાજા મહેરબાન થયા છે. 

ગઈકાલે મંગળવારના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં મહુવા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લગભગ અડધો ઈંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા હતા.

છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનોને આ વરસાદથી મોટી રાહત મળી છે. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

અત્યારે પાક માટે વરસાદની ખાસ જરૂર હતી. આ સમયે પડેલા વરસાદથી જગતના તાત એવા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વરસાદને કારણે ઉભા પાકને જીવતદાન મળ્યું છે અને વાવણી માટે પણ જમીનમાં ભેજ વધ્યો છે.

રાબેતા મુજબ વરસાદના કારણે મહુવા શહેરમાં થોડા સમય માટે વીજળી ગુલ થઈ ગઈ હતી. આ ઉપરાંત મહુવા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના અહેવાલ મળી રહ્યા છે.

આ વરસાદથી ચોમાસાની સીઝનમાં મહુવા પંથકના લોકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે.

(9:34 AM IST)