News of Sunday, 5th July 2026
લાઠીદડથી નીકળેલી ૨૧ ગૌમાતાઓની ૧૯ દિવસની કઠિન પદયાત્રા બાદ દ્વારકાધીશના ચરણોમાં આગમન : પવિત્ર ધામે ગૌમાતાઓએ કર્યા ભગવાનના દર્શન : જુઓ વિડિયો
ગૌમાતા પર થતા અત્યાચાર અને વેદનાનો અવાજ સમાજ સુધી પહોંચાડવા યોજાઈ અનોખી વેદના યાત્રા : ભક્તિ, ગૌસેવા અને અડગ શ્રદ્ધાના ત્રિવેણી સંગમથી મંદિર પરિસર ભક્તિમય બન્યું : યુવા પેઢીને ગૌરક્ષણ માટે સંકલ્પબદ્ધ થવા આહવાન

દીપેશ સામાણી દ્વારા, દ્વારકા: ગૌસેવા, ગૌરક્ષણ અને અડગ શ્રદ્ધાનું એક અદભુત અને હૃદયસ્પર્શી ઉદાહરણ પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે જોવા મળ્યું છે. લાઠીદડથી શરૂ થયેલી ૨૧ ગૌમાતાઓની 'વેદના યાત્રા' સતત ૧૯ દિવસની અત્યંત કઠિન પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પહોંચી છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત થયેલી આ ૨૧ ગૌમાતાઓએ પદયાત્રાના માધ્યમથી જગતમંદિરના પવિત્ર ધામે પહોંચીને કાળિયા ઠાકોરના સન્મુખ શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. દ્વારકાધીશના દર્શન માટે ગૌમાતાઓના આ દિવ્ય આગમનથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું અને મંદિરમાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓએ આ અલૌકિક ક્ષણોના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી.
ગૌમાતા પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો મુખ્ય હેતુ:
લાઠીદડથી દ્વારકાધીશ સુધી યોજાયેલી આ અનોખી ગૌમાતા વેદના યાત્રા પાછળ એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર ઉદ્દેશ્ય રહેલો છે. વર્તમાન સમયમાં ગૌમાતા પર થતા અત્યાચાર, તેમની થઈ રહેલી ઘોર અવગણના અને મૂંગા પશુઓની વેદનાનો આક્રોશભર્યો અવાજ સમગ્ર માનવ સમાજ અને સાક્ષાત ભગવાન દ્વારકાધીશના દરબાર સુધી પહોંચાડવાનો આ યાત્રાનો મુખ્ય હેતુ હતો. સમાજમાં ગૌમાતા પ્રત્યેની સંવેદનશીલતા ફરી જાગૃત થાય તે માટે આ પદયાત્રાનું આયોજન કરાયું હતું.
યુવા પેઢીને ગૌરક્ષણ માટે સંકલ્પબદ્ધ થવા આહવાન:
આ દિવ્ય યાત્રાના માધ્યમથી સમાજમાં ગૌસેવા, ગૌરક્ષણ અને માનવતાની પવિત્ર ભાવના જાગૃત કરવાનો એક મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને આજની ભટકતી યુવા પેઢીને ગૌમાતાના સંરક્ષણ અને સંવર્ધન માટે આગળ આવીને સંકલ્પબદ્ધ થવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ૧૯ દિવસ સુધી સતત ચાલતી રહીને દ્વારકાના નાથના શરણોમાં પહોંચેલી આ ગૌમાતાઓની ભક્તિ અને શ્રદ્ધા જોઈને દ્વારકા આવેલા યાત્રિકો ભાવવિભોર બન્યા હતા અને સૌ કોઈએ ગૌમાતાઓના આશીર્વાદ લીધા હતા.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
