<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જામનગર રિલાયન્‍સમાંથી મોકલાયેલા ૩૮.૧૫ લાખના સલ્‍ફરમાં રાજકોટના જીયાણા ખાતે ભેળસેળ કરવાનું કારસ્‍તાન ખુલ્‍યું

સલ્‍ફર ભરેલો ટ્રક ડ્રાઇવર પુરખારામે કુવાડવા નજીક જીયાણા જીઆઇડીસીમાં લઇ જઇ સલ્‍ફર કાઢી લઇ બીજી ભળતી ચીજવસ્‍તુ ભેળવીને વડોદરા ખાતેની જીએસએફસી કંપનીને પહોંચાડયો હતોઃ કંપનીને શંકા ઉપજતાં નમુના લઇ ચકાસણી કરાવીઃ ભેળસેળ ખુલતાં રીલાયન્‍સને ઇ-મેઇલથી જાણ કરતાં ભાંડો ફુટયો ટ્રક ડમ્‍પરના ચાલકે કરેલો વિશ્વાસઘાત ડમ્‍પરના જીપીએસ બેકઅપ અને જીયાણાના ગોડાઉન પાસે ઢોળાયેલા સલ્‍ફરને આધારે ઉઘાડો પડયોઃ જામનગરના ટ્રાન્‍સપોર્ટ સંચાલક પ્રદિપસિંહ જાડેજાની એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદઃ પીઆઇ કે. પી. તરેટીયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. સરવૈયાએ તપાસ હાથ ધરી ડ્રાઇવર પુરખારામે કોના કહેવાથી કેટલી વખત કેટલુ સલ્‍ફર કાઢયું? કેટલી ભેળસેળ કરી? તે સહિતની તપાસ

રાજકોટ તા. ૧૦: જામનગર રિલાયન્‍સમાંથી ટ્રક ડમ્‍પરમાં રૂા. ૩૮.૧૫ લાખનો સલ્‍ફર ભરી વડોદરા જી.એસ.એફ.સી.માં પહોંચાડતા પહેલા ટ્રક ડમ્‍પરના ડ્રાઇવરે આ ટ્રક કુવાડવા નજીક જીયાણાના ગોડાઉન ખાતે લઇ જઇ તેમાંથી  સલ્‍ફર કાઢી લઇ બીજી ભળતી ચીજવસ્‍તુ ભેળવી દઇ આ ભેળસેળીયો સલ્‍ફર વડોદરા કંપનીને પહોંચાડતાં કંપનીને શંકા ઉપજતાં નમુનાનું પરિક્ષણ કરાવતાં કંપનીએ રીલાયન્‍સ કંપનીને ઇ-મેઇલથી ફરિયાદ કરતાં આ મામલે ટ્રાન્‍સપોર્ટેશનનો કોન્‍ટ્રાકટ ધરાવતાં જામનગરના ટ્રાન્‍સપોર્ટ સંચાલકે એરપોર્ટ પોલીસમાં ડમ્‍પરના ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવ્‍યો છે. આ ચાલકે જીયાણા ખાતે ડમ્‍પર એક ગોડાઉન ખાતે લઇ જઇ ત્‍યાં સલ્‍ફર કાઢી લઇ બાદમાં બીજી ભેળસેળ કરી આ ટ્રક વડોદરા પહોંચાડયાના પુરાવા ટ્રાન્‍સપોર્ટ સંચાલકે એકઠા કરી પોલીસને જાણ કરી હતી.

આ અંગે એરપોર્ટ પોલીસે જામનગરના ઢીંચડા રોડ પર ઓમ સાઇરામ પાર્ક બી-૨૬/૫ ખાતે રહેતાં અને મોટી ખાવડી જામનગર ખાતે ક્રિષ્‍ના લોજીસ્‍ટીક નામે ટ્રાન્‍સપોર્ટેશન કોન્‍ટ્રાક્‍ટર તરીકે વ્‍યવસાય કરતાં પ્રદિપસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ડમ્‍પર નં. જીજે૦૩સીયુ-૫૧૨૯ના ચાલક પુરખારામ બાલારામ વિરૂધ્‍ધ જામનગર રિલાયન્‍સ કંપનીમાંથી ટ્રક ડમ્‍પરમાં ભરેલો સલ્‍ફરથો જથ્‍થો જે તે સ્‍થળે પહોંચાડવાને બદલે પહેલા કુવાડવા વાંકાનેર હાઇવે પર જીયાણા ગામે જીઆઇડીસીના ગોડાઉનમાં લઇ જઇ સલ્‍ફર ખકાઢી લઇ તેમાં ભળતી વસ્‍તુ ભેળવી વડોદરા જીએસએફસી ખાતે ખાલી કરી વિશ્વાસઘાત કરવાનો ગુનો નોંધ્‍યો છે.

પ્રદિપસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મોટી ખાવડી જામનગર ખાતે ક્રિષ્‍ના લોજીસ્‍ટીક નામનો ટ્રાન્‍સપોર્ટેશન કોન્‍ટ્રાકટર તરીકે વ્‍યવસાય કરું છુ અને અમારા ધંધામા ભાગીદાર તરીકે જીતેન્‍દ્રસિંહ કેશુભા ચુડાસમા છે.  અમારી ક્રિષ્‍ના લોજીસ્‍ટીક કંપનીને કવીક સપ્‍લાય ચેઇન પ્રા.લી દ્વારા રીલાયન્‍સ કંપનીમાંથી વડોદરાની જી.એસ.એફ.સી ખાતે ટ્રક મારફતે સલ્‍ફર પહોંચાડવાનો કોન્‍ટ્રાકટ મળેલ છે અને અમારી સાથે ઘણા સમયથી ટ્રક ડમ્‍પરમાં સલ્‍ફર લઇ જવાનું કામ કરતા દિવ્‍યેશભાઇ હસ્‍તકનુ એક ટ્રક ડમ્‍પર જેના  નં. જીજે૦૩સીયુ-૫૧૨૯ છે તે ટ્રક મારફત રેગ્‍યુલર જામનગર રીલાયન્‍સથી વડોદરા જી.એસ.એફ.સી ખાતે સલ્‍ફર લઇ જતા હતાં.

 બાદમાં આ દિવ્‍યેશભા ઈએ આ ટ્રક ડમ્‍પર અમારા ટ્રાન્‍ફોર્ટેશનમાં ચલાવાનુ બંધ કરી દીધુ હતું. ગત તા. ૧૬/૦૬/૨૦૨૬ના રોજ અમારી ઓફીસ ખાતે મહેશભાઇ ભરવાડ આવ્‍યા હતાં અને આવેલ અને દિવ્‍યેશભાઇનો રેફરન્‍સ આપ્‍યો હતો. તેણેઅમારા સુપરવાઇઝર રાકેશભાઈને વાત કરેલ કે મારી પાસે ટ્રક ડમ્‍પર છે અને અમારે તમારી ટ્રાન્‍પોર્ટેશન કંપનીમાં ટ્રક ડમ્‍પર ભાડા ઉપર ચલાવવો હોય તો જણાવજો.  રાકેશભાઇએ તે બાબતે મને જણાવ્‍યું હતું અને ટ્રક ડમ્‍પરની જરૂર હોઇ જેથી મહેશભાઇને અમારી કંપનીમાં ભાડાથી ટ્રક ચલાવવા હા પાડી હતી.

ત્‍યારબાદ  આ મહેશભાઇના હસ્‍તકના ટ્રક ડમ્‍પર નં. જીજે૩સીયુ- ૫૧૨૯માં  બે વખત સલ્‍ફર લઇને વડોદરા ખાતે જી.એસ.એફ.સી કંપનીમા મોકલાયો હતો. જેથી અમોને તના પર પુરો ભરોસો બેસી ગયો હતો. એ પછી  તા.૨૮/૦૬/૨૬ના રોજ ફરી આ ટ્રક ડમ્‍પરમાં  રીલાયન્‍સ કંપનીમાંથી લુઝ સલ્‍ફર વજન ૩૬-૩૩૦ મેટ્રિક ટન જેની કિંમત આશરે રૂ. ૩૮,૧૫,૦૦૦ થતી હતી તે ભરી આપ્‍યો હતો. આ ડમ્‍પર વડોદરા જી.એસ.એફ.સી. કંપનીને પહોંચાડવા રવાના કરાવાયુ હતું. જેમાં ડ્રાઇવર તરીકે પુરખારામ બાલારામ હતાં. બીજા દિવસે ૨૯/૦૬ના સવારના ત્રણ વાગ્‍યાની આસપાસ સલ્‍ફર ભરેલો ટ્રક વડોદરા જી.એસ.એફ. સી ખાતે પહોંચી ગયો હતો.

બાદ વડોદરા જી.એસ.એફ.સી. કંપનીને આ ટ્રક ડમ્‍પરમાં ભરેલા સલ્‍ફરમાં ભે ળસેળની શંકા જતાં તેઓએ ટ્રકમાંથી સલ્‍ફરનો જથ્‍થો ખાલી કર્યો નહોતો અને તા.૩૦/૦૬ના રોજ તે સલ્‍ફરના સેમ્‍પલ નમુના લીધા હતાં. પછી એ જ દિવસે સાંજના છ વાગ્‍યાની આસપાસ જી.એસ.એફ.સી વડોદરા કંપની તરફથી રીલાયન્‍સ કંપની જામનગરને ઇ-મેઇલ કરી જાણ કરાઇ હતી કે આપના ટ્રાન્‍સ્‍પોર્ટેશન તરફથી મોકલેલ ટ્રક ડમ્‍પર ગાડી નં જીજે૦૩સીયુ-૫૧૨૯ના સલ્‍ફરમાં ભેળસેળ થયેલી છે.

દરમિયાન તા.૩૦/૦૬ના રોજ લીધેલ સેમ્‍પલનો રીપોર્ટ તા.૦૩/૦૭ના રોજ આવ્‍યો હતો જેમાં સલ્‍ફરની ફાયનલ પ્‍યોરીટી આશરે ૩૯.૯૩ ટકાની હતી તથા કલોરા ઇડ ૩૮.૨૫ ટકા અને સોડીયમ ૧૫.૧૮ ટકાનું મીશ્રણ હતું. જેથી અમોએ તુરંત જ ટ્રક ડમ્‍પરના ડ્રાઇવર પુરખારામ બાલારામને ફોન કરીને આ બાબતે પુછતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ હતો બાદ ટ્રક ડમ્‍પરના માલિક માલસુરભાઇ રત્‍નાભાઇને ફોન કરી તેમના આ ડમ્‍પર ટ્રકનું જીપીએસનું બેકઅપ આપવા જણાવ્‍યું હતું.

તેમની પાસેથી બેકઅપ આવતાં તપાસ કરતાં સલ્‍ફર ભરેલો ટ્રક ડમ્‍પર તા. ૨૮/૬ના રોજ સવારે ત્રણ વાગ્‍યે રીલાયન્‍સ કંપનીમાંથી નીકળે છે અને કલાક ૦૬:૧૪ વાગ્‍યે પડધરી ટોલનાકા ખાતેથી પાસ થયા બાદ આ ટ્રક ડમ્‍પર કુવાડવા ગામથી વાંકાનેર તરફ અજય વે બ્રીજે અંદાજે કલાક ૦૮:૨૫ વાગ્‍યે પહોંચે છે અને ત્‍યાથી જીયાણા ગામ ખાતે આવેલ જીઆઇડીસીમાં જાય છે અને ત્‍યા કોઇ કારખાનામા અંદાજે કલાક ૦૮/૩૩ વાગ્‍યે પહોંચ્‍યો હોવાનું જણાયું હતું. ત્‍યાં  કલાક ૦૯:૫૯ સુધી રોકાયેલ હતો બાદ વાહન અજય વે બ્રીજ કાંટે જઇને પરત જીયાણા જીઆઇડીસીમાં આવેલ કારખાને ગયેલ હતો. બાદ પરત અંદાજે કલાક ૧૦:૩૭ વાગ્‍યે અજય વે બ્રીજ ખાતે થી નીકળી વડોદરા ખાતે ગયેલ હોવાનું જણાઇ આવ્‍યુ હતું.

આ પછી અમે જીયાણા જીઆઇડીસી ખાતે આવેલા લોકેશન પર જઇ તપાસ કરતાં ત્‍યાં એક ગોડાઉન જોવા મળ્‍યું હતુ. જેની બહાર સલ્‍ફર ઢોળાયેલો હોઇ ગોડાઉનમાં તાળુ હોઇ એરપોર્ટ પોલીસ સ્‍ટેશને પહોંચી મેં અને મારા ભાગીદાર જીતેન્‍દ્રસિંહ ચુડાસમાએ વિગતો જણાવી હતી.  ટ્રક ડમ્‍પરના ડ્રાઇવર પુરખારામ બાલારામએ જામનગર રીલાયન્‍સ કંપનીમાથી ભરે લ સલ્‍ફરનો જથ્‍થો કુવાડવા વાંકાનેર હાઇવે જીયાણા ગામ જી.આઈ.ડી.સી ખાતે આવેલ ગોડાઉનમાં ખાલી કરી તેમા મળતી વસ્‍તુ ભેળવીને વડોદરા જી.એસ.એફ.સી ખાતે લઇ જઇ અમારી ાસથે વિશ્વાસઘાત કર્યો હોઇ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમ વધુમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવતાં પીઆઇ કે. પી. તરેટીયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે સલ્‍ફરનો સોૈથી મોટો ઉપયોગ સલ્‍ફયુરીક એસિડ બનાવવામાં થાય છે. જેનો ઉપયોગ ફોસ્‍ફેટિક ખાતરોના ઉત્‍પાદનમાં થાય છે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત પણ સલ્‍ફરના અનેક ઉપયોગો હોય છે.

(1:10 PM IST)