તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
સરદાર પટેલના આદર્શોને અપનાવી એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણનો સંકલ્પ સાકાર કરીએ : કાંતિભાઈ અમૃતિયા
શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ભુજમાં રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ‘રન ફોર યુનિટી’નું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ભુજમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી માર્ચને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રભારી સચિવ આનંદ પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રનિર્માણના આદર્શોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાનના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પમાં સહભાગી બની દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય કેશુભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રના એકીકરણમાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબની કુનેહ અને દૃઢ નેતૃત્વના પરિણામે દેશની અખંડિતતા શક્ય બની હતી.
શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ માર્ચ ટાઉનહોલ સર્કલ, આલ્ફ્રેડ સર્કલ, લેકવ્યૂ હોટલ સર્કલ, મંગલમ ચાર રસ્તા અને કલેક્ટર કચેરી ત્રણ રસ્તા થઈ પરત જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. માર્ચ દરમિયાન દેશભક્તિના નારાઓ સાથે નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં મુન્દ્રાના એએસપી ગૌતમ વિવેકાનંદન, વન સંરક્ષક ધીરજ મિત્તલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પારસ વિઠાણી, ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ વી.કે. સિંઘ, આરટીઓ અનીલ ગોસ્વામી, ભુજ પ્રાંત અધિકારી મહેશ નાકિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પોલીસ જવાનો, કર્મચારીઓ, ભારતીય સેના અને વાયુસેનાના જવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
