News of Saturday, 12th September 2026
અદાણી સંચાલિત ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલના તબીબોએ ૫ કલાક સુધી શસ્ત્રક્રિયા કરી સફળતાપૂર્વક ગાંઠ હટાવી મહિલાને આપ્યું જીવતદાન
ગાંઠ કેન્સર બને તે પહેલાં જ નિદાન: ૪૫ વર્ષીય મહિલાના સ્વાદુપિંડમાંથી ૫ બાય ૪ સે.મી.ની પ્રિ.કેન્સરની ગાંઠ દુરબીનથી દૂર કરાઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨ : અદાણી સંચાલિત કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે.જનરલના જનરલ સર્જરી વિભાગે ૪૫ વર્ષીય મહિલાના સ્વાદુપિંડમાં રહેલી પ્રિ.કેન્સરની ગાંઠ કેન્સર સ્વરૂપે આકાર લે તે પહેલાં જ લાંબી મથામણ બાદ દૂરબીન વડે ઓપરેશનથી દૂર કરી હતી. જો આ ગાંઠ સમયસર કાઢી નંખાઈ ના હોત તો તે જીવલેણ કેન્સરમાં ફેરવાઈ શકે એમ હતી.
હોસ્પિટલના સર્જરી વિભાગના યુનિટ હેડ ડૉ.સિધ્ધાર્થ શેઠીઆ અને ટીમે આ જટિલ સર્જરી ૫ કલાકની જહેમત બાદ પાર પડી હતી. તબીબોએ કહ્યું કે, પેટમાં સખત દુખાવાને કારણે પીડિત બહેન સર્જરી વિભાગમાં આવ્યા. સતત પેટમાં દુખાવો રહેતો જ હતો પણ નિદાન થતું ન હોવાથી સમસ્યા યથાવત હતી. અત્રે સિટીસ્કેન કક્ષાના નિદાનાત્મક પરિક્ષણથી કેન્સર પૂર્વેના લક્ષણોની ગાંઠ માલુમ પડી. જેને દૂર કરવા દૂરબીન વડે આ ઓપરેશન કરાયું હતું. ડોક્ટર્સના જણાવ્યા મુજબ ઓપરેશન જટિલ હતું કેમકે ,સ્વાદુપિંડ અને ગાંઠની આજુબાજુ રહેલી લોહીની ધમની અને વેસલ્સ પિતની નળી આવેલી હોય છે. ત્યારે સૂક્ષ્મ ભૂલ મોટા રક્તસ્ત્રાવનું કારણ બની શકે. એટલે જ તબીબોએ પરિશ્રમયુક્ત સંભાળ લીધી હતી.
દર્દીને માત્ર ૫ જ દિવસમાં સ્વસ્થ થયા પછી રજા આપવામાં આવી. સામાન્ય રીતે મોટા ખર્ચ સામે આ સમગ્ર સારવાર નિઃશુલ્ક કરવામાં આવી. ડો.શેઠીઆના જણાવ્યા મુજબ સ્વાદુપિંડનું ઓપરેશન સામાન્ય રીતે અંતિમ સ્ટેજમાં પકડાય છે. આ કિસ્સામાં પ્રિ.કેન્સર સ્ટેજમાં જ થયેલું નિદાન એ દર્દી માટે જીવતદાન સમાન છે. કારણકે પાચનતંત્રનું આ અત્યંત અગત્યનું અવયવ છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
