<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

છ મહિનામાં 105 MMT કાર્ગો હેન્ડલિંગ સાથે અદાણી મુંદ્રા પોર્ટે રચ્યો નવો ઇતિહાસ

ઉત્તર ભારતનું મુખ્ય કન્ટેનર ગેટવે બન્યું મુંદ્રા; આયાત નિકાસ થકી વૈશ્વિક વ્યાપાર દ્વારા ગુજરાત સહિત 8 રાજ્યોના વેપારને મળી નવી ગતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:  અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)ના મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં કુલ 105 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો હેન્ડલ કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. કન્ટેનર હેન્ડલિંગમાં પણ મુંદ્રાએ પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક બનાવ્યો છે. મુંદ્રા પોર્ટના CT3 ટર્મિનલે સપ્ટેમ્બર 2026માં 3,09,955 TEUs હેન્ડલ કરીને ભારતનો સર્વોચ્ચ માસિક કન્ટેનર થ્રુપુટ નોંધાવ્યો છે. અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ CT3ના નામે હતો, જ્યારે ઓગસ્ટ 2026માં તેણે 3,07,329 TEUs હેન્ડલ કર્યા હતા.

મુંદ્રા હવે માત્ર બંદર નહીં, પરંતુ ઉત્તર ભારત માટેના મહત્વના કન્ટેનર ગેટવે તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના આયાતકારો-નિકાસકારો માટે મુંદ્રા મહત્વનું વેપારી કેન્દ્ર બન્યું છે. વિશાળ રેલ અને રોડ નેટવર્ક મારફતે દેશના ઔદ્યોગિક તથા વપરાશ કેન્દ્રો સાથેની કનેક્ટિવિટી વેપાર અને લોજિસ્ટિક્સને વેગ આપે છે.

મુંદ્રા પોર્ટ ખાતે કન્ટેનર ઉપરાંત કોલસા, ક્રૂડ ઓઈલ, LNG, ખાતર, કૃષિ ઉત્પાદનો, ઓટોમોબાઈલ, સ્ટીલ અને પ્રોજેક્ટ કાર્ગો જેવા વિવિધ પ્રકારના માલનું પણ હેન્ડલિંગ થાય છે. ઊંડો ડ્રાફ્ટ, આધુનિક ટર્મિનલ અને સંકલિત લોજિસ્ટિક્સ સુવિધાઓના કારણે પોર્ટની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે.

*કન્ટેનર કાર્ગો સાથે સંકળાયેલ TEU એટલે શું?*

TEUનું પૂર્ણ સ્વરૂપ Twenty-foot Equivalent Unit છે. તે કન્ટેનર હેન્ડલિંગ માપવાનું પ્રમાણભૂત એકમ છે. સામાન્ય 20 ફૂટ લાંબા કન્ટેનરને 1 TEU ગણવામાં આવે છે, જ્યારે 40 ફૂટનું કન્ટેનર 2 TEUs ગણાય છે. એટલે સપ્ટેમ્બરમાં CT3 દ્વારા હેન્ડલ થયેલા 3,09,955 TEUsનો અર્થ આશરે 20 ફૂટના 3.10 લાખ કન્ટેનર જેટલી ક્ષમતા ધરાવતા કન્ટેનર ટ્રાફિકનો છે.

મુંદ્રા પોર્ટનું 105 MMT કાર્ગો હેન્ડલિંગ અને રેકોર્ડ કન્ટેનર થ્રુપુટ ભારતના વધતા ઉત્પાદન, આયાત-નિકાસ અને વૈશ્વિક વેપાર માટે બંદર માળખાની વધતી ભૂમિકાને દર્શાવે છે.

(6:23 PM IST)