તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Sunday, 9th August 2026
‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવાશક્તિની સક્રિય ભાગીદારી જરૂરી : ડૉ. મનસુખભાઈ માંડવિયા : ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ની થીમ હેઠળ ભાવનગર યુનિવર્સિટીમાં ‘માય ભારત યુવા સંવાદ’ : યુવાશક્તિના સામર્થ્યથી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય મંત્રીનુ યુવાનોને આહ્વાન : ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓએ લીધા નશામુક્તિના શપથ
“યુવા દેશની શક્તિ છે,યુવાની માત્ર ઉંમર નથી, પરંતુ વિચાર, ઊર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે,શિક્ષણથી જ્ઞાન, સંસ્કારથી વિચાર અને સંકલ્પથી કાર્યશક્તિ પ્રાપ્ત કરી યોગ્ય દિશામાં આગળ વધજો, પોતાના વ્યક્તિત્વના વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસમાં પણ સક્રિય ભાગીદાર બનવા ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજનુ આહવાન

(માહિતી બ્યૂરો) ભાવનગર તા.૯ : ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ની થીમ હેઠળ ‘માય ભારત યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના અટલ ઓડિટોરીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા અને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજની ઉપસ્થિતિમાં યુવાનો સાથે વિવિધ વિષયો પર પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ સાધી તેમના વિચારો, અનુભવો અને ભાવિ લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી. તેમણે યુવાનોને પોતાની ક્ષમતા, જ્ઞાન અને ઊર્જાનો ઉપયોગ વ્યક્તિગત પ્રગતિની સાથે રાષ્ટ્રના વિકાસ માટે કરવાની પ્રેરણા આપી હતી.
યુવાનોને સંબોધતાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, “યુવાશક્તિ અને શ્રમશક્તિ ભારતની સૌથી મોટી તાકાત છે.” ભારતની મોટી વસ્તી ૩૫ વર્ષ કે તેથી ઓછી વયની છે ત્યારે યુવાનોને યોગ્ય દિશા, તક અને સંકલ્પ મળે તો તેઓ દેશના વિકાસને નવી ગતિ આપી શકે છે. યુવાશક્તિના સામર્થ્યને યોગ્ય દિશા આપી તેનો રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરવો એ ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ યુવાનોને પોતાના જીવનમાં રાષ્ટ્રલક્ષી સંકલ્પ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. દરેક યુવાને પોતાની ક્ષમતા અને જ્ઞાનનો ઉપયોગ દેશહિતમાં કરી વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. યુવાનોની સક્રિય ભાગીદારીથી ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રાચીન ભારતની જ્ઞાન-પરંપરા અને વિરાસતથી પરિચિત કરાવતા
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ વિદ્યાર્થીઓ સાથે ભારતની પ્રાચીન વિરાસત, સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર અંગે પણ સંવાદ કર્યો હતો.
ધોળાવીરા અને લોથલ જેવી ઐતિહાસિક ધરોહરોનો ઉલ્લેખ કરતાં તેમણે પ્રાચીન ભારતની જ્ઞાન-પરંપરા, વૈજ્ઞાનિક દૃષ્ટિ અને દુરંદેશીનો પરિચય કરાવ્યો હતો.
વોટર હાર્વેસ્ટિંગ અને સિટી પ્લાનિંગ જેવા ક્ષેત્રોમાં પ્રાચીન ભારતની સિદ્ધિઓ અંગે માહિતી આપતાં તેમણે યુવાનોને દેશની ગૌરવશાળી વિરાસત સાથે જોડાઈ તેના જતન અને સંવર્ધનમાં સહભાગી બનવા પ્રેરિત કર્યા હતા.
યુવા ખેલાડીઓ સાથે સંવાદ કરી સિદ્ધિઓને બિરદાવી
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ યુનિવર્સિટીના રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે ખેલાડીઓની રમતગમત ક્ષેત્રે પ્રાપ્ત સિદ્ધિઓ, અનુભવો અને ભાવિ લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી.
યુવા ખેલાડીઓની પ્રતિભા અને મહેનતને બિરદાવતાં તેમણે તેમને રમતગમત ક્ષેત્રે વધુ ઊંચાઈઓ હાંસલ કરવા તથા દેશનું નામ ગૌરવવંતું બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ‘માય ભારત’ પહેલ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરતાં યુવાનોને રાષ્ટ્રનિર્માણની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ, સશક્ત અને જવાબદાર નાગરિક બનવા તથા સમાજમાં નશામુક્તિનો સંદેશ પ્રસરાવવામાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.
પોતાના વિદ્યાર્થીજીવનનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અનુસ્નાતક તથા પીએચ.ડી.ના તેઓ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. પોતાની શૈક્ષણિક કારકિર્દી સાથે ગાઢ રીતે જોડાયેલી યુનિવર્સિટીમાં યુવાનો સાથે સંવાદ કરતાં કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે, “યુવા દેશની શક્તિ છે; યુવાની માત્ર ઉંમર નથી, પરંતુ વિચાર, ઊર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે.” તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણથી જ્ઞાન, સંસ્કારથી વિચાર અને સંકલ્પથી કાર્યશક્તિ પ્રાપ્ત કરી યોગ્ય દિશામાં આગળ વધવા જણાવ્યું હતું. પોતાના વ્યક્તિત્વના વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસમાં પણ સક્રિય ભાગીદાર બનવા તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું.
‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ના સંદેશને આત્મસાત કરતાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ ગ્રહણ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ અને સંચાલન ડૉ. હિમલભાઈ પંડ્યાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અધિકારીઓ, રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના અધિકારીઓ તેમજ યુનિવર્સિટીના રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
