<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

સુરેન્‍દ્રનગરના ફુલગ્રામ પાસે અકસ્‍માતઃ ર બાળકોના મોતઃ ૧૪ ઘાયલ

રાજસ્‍થાનનો પરિવાર અમદાવાદ અક્ષરધામ મંદિર તરફ જઇ રહયો હતો ત્‍યારે તુફાન કાર અને ટ્રક વચ્‍ચે જોરદાર અકસ્‍માત સર્જાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૮: સુરેન્‍દ્રનગરના ફુલગ્રામ ગામ નજીક રાજસ્‍થાનના યાત્રિક પરિવારને ગમખ્‍વાર અકસ્‍માત નડ્‍યો છે. તુફાન કાર અને ટ્રક વચ્‍ચે થયેલા ભયંકર અકસ્‍માતમાં ૨ માસૂમ બાળકોના મોત નિપજ્‍યા છે જ્‍યારે ૧૪ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં શોકનો માહોલ છવાયો છે.

રાજસ્‍થાનથી એક પરિવાર જૂનાગઢ દર્શન કરવા માટે આવ્‍યો હતો. જૂનાગઢ ગિરનાર અને અન્‍ય ધાર્મિક સ્‍થળોના દર્શન કરીને પરિવાર અમદાવાદ અક્ષરધામ મંદિર તરફ જઈ રહ્યો હતો. પરિવારના સભ્‍યો તુફાન ગાડીમાં સવાર હતા. તેઓ ખૂબ જ ઉત્‍સાહ સાથે યાત્રા કરી રહ્યા હતા. પરંતુ સુરેન્‍દ્રનગરના ફુલગ્રામ નજીક હાઇવે ઉપર સામેથી આવતી એક પૂરઝડપે દોડતી ટ્રક સાથે તેમની તુફાન ગાડીનો ભયંકર અકસ્‍માત સર્જાયો હતો.

આ અકસ્‍માતમાં (૧) પુસ્‍કરલાલ કાલુરામ પ્રજાપતિ ઉ વ-૧૮ (૨) ભાવેશ પુસ્‍કરલાલ પ્રજાપતિ ઉ વ-૦૮ (૩) પપ્‍પુભાઇ અમરાભાઇ ડામોર ઉ વ-૩૨ (૪) પુસ્‍કરલાલ માગીવાલજી પ્રજાપતિ ઉવ-૩૬ (૫) સુરેશભાઇ દાલુજી કુમ્‍હાર ઉ વ-૩૮ (૬) કાલુરામ દેવીલાલ પ્રજાપતિ ઉ વ-૪૫ (૭) ગૌરવ સુરેશભાઇ પ્રજાપતિ ઉ વ-૧૩ (૮) બસંતીબેન પુસ્‍કર પ્રજાપતિ ઉ વ-૩૫ (૯) નિર્મલાબેન સુરેશભાઇ પ્રજાપતિ ઉ વ-૩૪ (૧૦) રીનાબેન કાલુરામ પ્રજાપતિ ઉ વ-૨૨ (૧૧) ખુશીબેન સુરેશભાઈ પ્રજાપતિ ઉ વ-૧૭ (૧૨) વિનુબેન પુસ્‍કરલાલ પ્રજાપતિ ઉ વ-૧૫ (૧૩) નંદની પુસ્‍કરલાલ પ્રજાપતિ ઉ વ-૧૩ (૧૪) સુશીલાબેન કાલુરામ પ્રજાપતિ ઉ .વ- ૩૫ ને ઇજા થઇ છે.

અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍ત ગીતા પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે ડ્રાઇવરને આગળ પડેલો ટ્રક ના દેખાયો અને જેને લઈને તોફાન ક્રૂઝર કાર ટ્રક સાથે અથડાઈ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલા ફૂલગ્રામ નજીક અકસ્‍માત સર્જાયો છે જેમાં બે બાળકોના મોત નીપજવા પામ્‍યા તેમને અમદાવાદ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્‍યા છે અને અન્‍ય ૧૪ લોકોને સુરેન્‍દ્રનગરની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ત્‍યારે અકસ્‍માત બાદ હાથ પગ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચવા પામી છે અને હાલ તમામની તબિયત સારી છે અને તમામને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર આપી અને દાખલ કરવામાં આવ્‍યા છે

(11:41 AM IST)