<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

કોડીનારમાં સ્‍કૂલ બસ અને ઈકો વચ્‍ચે અકસ્‍માત, મહિલા સહિત બેને ઈજા

સોમનાથ સોસાયટી પાસે બનેલી ઘટનામાં ઈજાગ્રસ્‍તોને સારવાર માટે ખસેડાયાઃ બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્‍યા વચ્‍ચે બેફામ વાહનચાલન સામે કાર્યવાહીની માંગ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૨૦: સ્‍કૂલ બસ આગળ ધીમી ગતિએ જઈ રહી હતી ત્‍યારે પાછળથી આવતી ઈકોના ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્‍માતમાં માળીયા ગામના રહેવાસી અને કોડીનાર તાલુકાના કોટડા ગામે કરિયાણાની દુકાન ધરાવતા ગોવિંદભાઈ આહુજા સહિત એક મહિલાને ઈજા થઈ હતી. ગોવિંદભાઈને વધુ ઈજા થતાં ત્‍યાંથી પસાર થતા પત્રકાર દિનેશભાઈ જોષીએ તાત્‍કાલિક તેમને મોટરસાઇકલ પર બેસાડી સરકારી દવાખાને સારવાર માટે પહોંચાડ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર ફરતે બાયપાસ રોડ પર સિમેન્‍ટ રોડનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોવાથી માર્ગ પર વાહનોની અવરજવર વધી છે અને ટ્રાફિકની સમસ્‍યા પણ સર્જાઈ રહી છે. આવી સ્‍થિતિમાં વાહનચાલકોની બેદરકારી અકસ્‍માતનું જોખમ વધારી શકે છે. સ્‍થાનિક સ્‍તરે કોડીનાર-વેરાવળ-ઊના માર્ગ પર ખાનગી વાહનો દ્વારા મુસાફરોની હેરફેર અને બેફામ વાહનચાલન અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. મુસાફરોની સલામતી જળવાઈ રહે તે માટે સંબંધિત તંત્ર દ્વારા વાહનોની તપાસ, નિયમોનું પાલન અને ગેરકાયદેસર મુસાફર હેરફેર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે

(11:57 AM IST)