<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ગોંડલના સાતમ-આઠમના લોકમેળામાં સર્જાયો અકસ્માત: ચાલુ રાઇડનું પતરું ઊડી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, અફરાતફરી મચી

​તંત્રની ઘોર બેદરકારી? બ્રેકડાઉન રાઇડ્સમાં ક્ષતિ સામે આવતા ખેલૈયાઓમાં ફફડાટ, સદનસીબે મોટી જાનહાનિ ટળી

​ગોંડલ : ગોંડલના ઐતિહાસિક સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં એક મોટી દુર્ઘટના બનતા બનતા અટકી ગઈ છે. મેળાની મજા માણી રહેલા લોકો માટે તે સમયે ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે પુરપાટ ઝડપે ચાલી રહેલી એક રાઇડનું પતરું અચાનક ઊંચું થઈને ઊડી ગયું હતું. આ ઘટનાને પગલે રાઇડમાં બેઠેલા લોકો તેમજ નીચે ઉભેલા મેળાના રસીકોમાં ભારે ફફડાટ અને અફરાતફરી મચી ગઈ હતી.

​મળતી માહિતી મુજબ, મેળામાં લોકોની ભારે ભીડ વચ્ચે રાઇડ્સ ચાલુ હતી ત્યારે અચાનક જ એક રાઇડનું પતરું ઉખડી જતાં મોટો અવાજ થયો હતો. રાઇડમાં બેઠેલા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી અને જીવ બચાવવા માટે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. સદનસીબે રાઇડ ઓપરેટરે સમયસૂચકતા વાપરીને રાઇડ તાત્કાલિક બંધ કરી દેતા કોઈ મોટી જાનહાનિ કે અનિચ્છનીય બનાવ બનતો અટકી ગયો હતો.

​આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાઇડનું પતરું કેવી રીતે ઊંચું થઈ ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં મેળાની રાઇડ્સની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

​લોકોમાં એ વાતનો ભારે રોષ જોવા મળી રહ્યો છે કે શું મેળાની રાઇડ્સ શરુ કરતા પહેલાં તંત્ર કે ફિટનેસ ચેકિંગ ટીમ દ્વારા યોગ્ય ચકાસણી કરવામાં આવી નહોતી? આવી બેદરકારી કોઈનો જીવ પણ લઈ શકી હોત. સ્થાનિકો અને મુલાકાતીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની જોખમી રાઇડ્સના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તમામ રાઇડ્સનું ફરીથી સેફ્ટી ઓડિટ કરાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

(12:08 PM IST)