News of Thursday, 9th July 2026
"સ્માર્ટ પોરબંદર – ડિજિટલ પોરબંદર" વિઝનને વેગ : મેયર સાગરભાઈ મોદીની અનોખી પહેલ : હવે મહાનગરપાલિકાના હાઉસ ટેક્સના બિલ સીધા વોટ્સએપ પર મળશે
શહેરના ૩૦,૦૦૦ થી વધુ મિલકતધારકોને ઘરે બેઠા વેરા બિલ મોકલવાની સુવિધાનો પ્રારંભ : બિલમાં આપેલા 'Pay Now' ઓપ્શન અને ક્યુઆર કોડ દ્વારા સેકન્ડોમાં ઓનલાઈન ચુકવણી થઈ શકશે : કચેરીના ધક્કા અને લાંબી લાઈનોમાંથી મુક્તિ

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક નાગરિકોને વધુ ઝડપી, સરળ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્સ વિભાગ દ્વારા એક ક્રાંતિકારી સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના અંદાજે ૩૦,૦૦૦ થી વધુ મિલકતધારકોને તેમની મિલકતના વેરાના માંગણા બિલ (Demand Bill) હવે સીધા જ તેમના નોંધાયેલા મોબાઇલ નંબર પર વોટ્સએપ (WhatsApp) મારફતે મોકલવામાં આવશે. આ નવી વ્યવસ્થાના અમલીકરણથી મિલકતધારકોને વેરાનું બિલ લેવા માટે મહાનગરપાલિકાની કચેરી સુધી જવાની જરૂર રહેશે નહીં, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.
ઘર બેઠા પીડીએફ બિલ મળશે, કચેરીએ જઈ લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી રાહત:
મહાનગરપાલિકાની આ નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાને કારણે નાગરિકોને કચેરી ખાતે થતા ધક્કા અને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી કાયમી રાહત મળશે. વેરા બિલની પીડીએફ (PDF) સીધી જ મોબાઈલ ફોનમાં પ્રાપ્ત થતાં મિલકતધારકો કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી પોતાનું બિલ જોઈ શકશે. આ ડિજિટલ વ્યવસ્થાથી મહાનગરપાલિકાની કચેરી ખાતે વેરા વસૂલાત દરમિયાન થતી ભીડમાં મોટો ઘટાડો થશે અને વહીવટી કામગીરી પણ અત્યંત ઝડપી બનશે. ખાસ કરીને વડીલો, દિવ્યાંગો, નોકરી-ધંધા કરતા વ્યસ્ત લોકો તેમજ પોરબંદર શહેરની બહાર રહેતા મિલકતધારકો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.
'Pay Now' અને QR Code થી ઓનલાઈન પેમેન્ટ સેકન્ડોમાં થશે:
ડિજિટલ બિલની સાથે-સાથે ચુકવણી પ્રક્રિયાને પણ તદ્દન સરળ બનાવવામાં આવી છે. વોટ્સએપ પર મળનારા બિલમાં "Pay Now" ની વિશેષ સુવિધા આપવામાં આવી છે. આ વિકલ્પ પર ક્લિક કરતાં જ મિલકતધારક સીધા ઓનલાઈન પેમેન્ટ પોર્ટલ પર પહોંચીને સુરક્ષિત રીતે પોતાના વેરાની ચુકવણી કરી શકશે. આ ઉપરાંત બિલમાં એક ક્યુઆર કોડ (QR Code) પણ ઉપલબ્ધ કરાવાશે, જેને સ્કેન કરીને યુપીઆઈ (UPI), નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સહિતના વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા સરળતાથી વેરો ભરી શકાશે.
મોબાઈલ નંબર બદલાયો હોય તો સુધારો કરાવવા મહાનગરપાલિકાની અપીલ:
મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના નોંધાયેલા મોબાઈલ નંબર સતત કાર્યરત રાખે. જો કોઈ મિલકતધારકનો મોબાઈલ નંબર બદલાયો હોય, તો તેમણે તાત્કાલિક હાઉસ ટેક્સ વિભાગનો સંપર્ક કરીને રેકોર્ડમાં જરૂરી સુધારો કરાવી લેવો, જેથી કરીને વેરાનું બિલ કોઈ પણ વિલંબ વગર સમયસર તેમના વોટ્સએપ નંબર પર મળી શકે અને તેઓ ઓનલાઈન ચુકવણીની સુવિધાનો લાભ મેળવી શકે. મેયર સાગરભાઈ મોદીની આ કાગળરહિત (Paperless) પહેલથી પોરબંદરના નાગરિકોને આધુનિક સેવા મળશે.
વોટ્સએપ નંબર નોંધાયેલ ન હોય તેને હાર્ડ કોપી બિલ યથાવત્ મળશે:
પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે મિલકતધારકોના વોટ્સએપ મોબાઈલ નંબર હજુ સુધી મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ શાખામાં નોંધાયેલા નથી, તેઓને ચિંતા કરવાની જરૂર નથી. આવા નાગરિકોને હાઉસ ટેક્સના બિલની અસલ હાર્ડ કોપી અગાઉની પરંપરાગત પદ્ધતિની જેમ જ તેમના સરનામે રૂબરૂ પહોંચાડવામાં આવશે. જો કે, ભવિષ્યમાં તમામ સરકારી માહિતી અને ટેક્સ બિલ ઝડપથી મેળવવા માટે વહેલી તકે પોતાના વોટ્સએપ નંબર ટેક્સ શાખામાં નોંધાવી લેવા વહીવટીતંત્રે અનુરોધ કર્યો છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
