<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

કલ્યાણપુરમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ: સરપંચના પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

પથ્થરની ખાણની કામગીરીમાં હેરાન ન કરવા રૂ. 30 લાખ માંગ્યા : રકજક બાદ 20 લાખ નક્કી થયા; પ્રથમ હપ્તો લેતા હરીપરના ડાયા પરમાર અને કલ્યાણપુરના જીવા પરમાર પકડાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે એ.સી.બી. જામનગરે સફળ ટ્રેપ ગોઠવી હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ સહિત બે આક્ષેપીતોને રૂ. 5,00,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ટ્રેપ તા. 08/06/2026 ના રોજ કલ્યાણપુર ખાતે ગોઠવવામાં આવી હતી.

 

આ કામના ફરીયાદી એક જાગૃત નાગરિક છે. ફરીયાદી તથા તેના પાર્ટનરની હરીપર ગામ ખાતે કાળા પથ્થર કાઢવાની ખાણ આવેલી છે. આ ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્ય દ્વારા ખોટી હેરાનગતી નહી કરવાના અવેજ પેટે હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ આક્ષેપીત નં. 1 ડાયાભાઈ અરજણભાઈ પરમાર, ઉ.વ. 55, ધંધો ખેતી, રહે. હરીપર ગામ, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા એ ફરીયાદી તથા સાહેદ પાસે રૂ. 30,00,000 ની લાંચની માંગણી કરેલ. રકજકના અંતે રૂ. 20,00,000 આપવાનો વાયદો થયેલ. તે પૈકી રૂ. 5,00,000 આજરોજ આપી દેવા જણાવેલ.

 

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ફરીયાદીશ્રીના મીત્રની ઓફીસ, દ્વારકાધીશ કોમ્પ્લેક્સ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે, કલ્યાણપુર, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

 

આ છટકા દરમ્યાન આક્ષેપીત નં. 1 ડાયાભાઈ અરજણભાઈ પરમાર તથા આક્ષેપીત નં. 2 જીવાભાઈ અરજણભાઈ પરમાર, ઉ.વ. 41, ધંધો ખેતી તથા હાર્ડવેરનો વેપાર, રહે. કલ્યાણપુર, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા એ બંનેએ ફરીયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. બાદમાં લાંચની માંગણીની રકમ રૂ. 5,00,000 ફરીયાદી પાસે માંગી સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ એ.સી.બી. ટીમે બંને આક્ષેપીતોને રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી લાંચની સ્વીકારેલ અને રીકવર કરેલ રકમ રૂ. 5,00,000 કબજે કરવામાં આવી છે. બંને આક્ષેપીતો પ્રજાજન છે.

 

આ ટ્રેપીંગ કાર્યવાહી એ.આર. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન જામનગર તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીમાં સુપરવિઝન અધિકારી તરીકે જે.ડી. મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ તથા ઇન્ચાર્જ અધિકારી તરીકે બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ હાજર રહ્યા હતા. બંને આક્ષેપીતો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1:20 PM IST)