<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ગાંધીધામના મીઠી રોહર વ્હિકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશન પર એસીબીની સફળ ડીકોય ટ્રેપ : વધારાના ૨૨૫૦ રૂપિયાની લાંચ લેતા આરોપી વિક્રમસિંઘ મનદ્રુપસિંઘ જાટ રંગેહાથ ઝડપાયો

ટ્રેપીંગ ઓફીસર એચવી ચૌધરી, સુપર વિઝન અધિકારી કેએચ ગોહિલ અને નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરોએ વાહન ફિટનેસ સર્ટિફિકેટના નામે ચાલતા ઉઘરાણાનો પર્દાફાશ કર્યો

ગાંધીધામ : કચ્છ પૂર્વ એસીબી પોલીસ સ્ટેશન ગાંધીધામને એક ખાનગી અને મહત્વની બાતમી મળી હતી કે સરકારના વાહન વ્યવહાર વિભાગમાંથી વાહનોના ફિટનેસ ચકાસણી કરવાનું કામ મેળવનાર અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશન મીઠી રોહર ગાંધીધામ જીલ્લો કચ્છ ખાતે મોટા પાયે ગેરરીતિ ચાલી રહી છે. આ સેન્ટર પર નાના મોટા કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવા તેમજ રીપાસીંગ કરવા માટે સરકારની કાયદેસરની ઓનલાઈન ફી ઉપરાંત અરજદારો પાસેથી અવેજ પેટે રોકડા રૂપિયા ૧૦૦૦ થી લઈને રૂપિયા ૧૦,૦૦૦ સુધીની ગેરકાયદેસર માંગણી કરીને લાંચ સ્વીકારવામાં આવે છે. આ સચોટ બાતમીના આધારે એસીબીની ટીમ દ્વારા એક આયોજનબદ્ધ ડીકોય છટકા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

 ઓનલાઈન ફી ઉપરાંત વધારાની રકમ માંગવી પડી ભારે

આ આયોજન અંતર્ગત એસીબીએ એક જાગૃત નાગરિકનો ડીકોયર તરીકે સહકાર મેળવ્યો હતો. આ ડીકોયરને પોતાના વાહનનું રીપાસીંગ કરાવીને વ્હિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હોવાથી તેઓ પોતાની ગાડી તથા જરૂરી દસ્તાવેજો સાથે અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા. ટ્રેપ દરમિયાન આ સેન્ટર પર નોકરી કરતા ૨૪ વર્ષીય આરોપી વિક્રમસિંઘ મનદ્રુપસિંઘ જાટે ડીકોયર પાસે વાહનના ફિટનેસ સર્ટિફિકેટ માટે ધારાધોરણ મુજબની કાયદેસરની ઓનલાઈન ફી રૂપિયા ૯૦૦ ઉપરાંત વધારાના રોકડા રૂપિયા ૨૨૫૦ ની લાંચની માંગણી કરી હતી.

 એસીબીની ટીમે સ્થળ પર જ આરોપીને દબોચી લીધો

આરોપી વિક્રમસિંઘ મનદ્રુપસિંઘ જાટે ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના રૂપિયા ૨૨૫૦ રોકડા સ્વીકાર્યા હતા. લાંચની રકમનો સ્વીકાર થતાની સાથે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને સ્થળ પર જ રંગેહાથ પકડી પાડ્યો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચની માંગણી કરેલ અને સ્વીકારેલ પૂરેપૂરી રકમ રૂપિયા ૨૨૫૦ સ્થળ પરથી જ રિકવર કરી લીધી છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ થઈ સમગ્ર કાર્યવાહી

આ સફળ ડીકોય ટ્રેપનું આયોજન અને અમલીકરણ કચ્છ પૂર્વ એસીબી પોલીસ સ્ટેશન ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રેપીંગ ઓફીસર એચવી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક અને સુપર વિઝન અધિકારી કેએચ ગોહિલ તેમજ એસીબી રાજકોટના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા દ્વારા સતત દેખરેખ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

(3:58 PM IST)